વિરાર ફાટા પાસે નૅશનલ હાઇવે પર પ્રાઇવેટ કારમાં બેસેલી મહિલાનો કથિત રીતે વિનયભંગ કરવાના આરોપમાં પોલીસે કારના ડ્રાઇવરની ધરપકડ તો કરી, પણ ફરિયાદીની વાતમાં કેટલું તથ્ય છે એની તે કરી રહી છે તપાસ
માથામાં ગંભીર ઈજા પામેલી મહિલા તેના પતિ સાથે વિરારમાં (તસવીર : હનીફ પટેલ)
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર પ્રાઇવેટ કારમાં ત્રણ પ્રવાસીએ ૧૦ મહિનાની બાળકી સાથે બેસેલી મહિલાનો વિનયભંગ કરવાની ચોંકાવનારી ઘટના શનિવારે ધોળા દિવસે બની હતી. આ બનાવમાં આનાથી પણ આઘાતજનક વાત એ છે કે આરોપીઓએ બાળકીને ચાલતી કારમાંથી ફેંકી દીધા બાદ તેને બચાવવા માટે મહિલા પણ કારનો દરવાજો ખોલીને કૂદી પડી હતી. ચાલતી કારમાંથી રસ્તામાં પટકાયેલી બાળકીનું બાદમાં મૃત્યુ થયું હતું, જ્યારે મહિલાના માથામાં ગંભીર ઈજા થવાથી તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. વિરારની માંડવી પોલીસે આ મામલામાં કારચાલકની ધરપકડ કરી છે. જોકે મહિલાએ આરોપ કર્યો છે કે પોલીસ તેની મદદ નથી કરી રહી અને કેસને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આ વાતને ગંભીરતાથી લઈને કારના ડ્રાઈવરની ધરપકડ કરીને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ ૨૧ વર્ષની ફરિયાદી મહિલા વાડા તાલુકાના પિંપલ ગામમાં રહે છે. તેનો પતિ નાલાસોપારામાં એક કંપનીમાં કામ કરે છે. પતિને મળવા માટે તે નાલાસોપારા પોતાની ૧૦ મહિનાની બાળકી સાથે આવી હતી. પતિને મળ્યા બાદ તે શનિવારે બપોરે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ચિંચોટી નાકાથી વાપી તરફ જતી એક પ્રાઇવેટ કારમાં બેઠી હતી. મહિલાએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે કારચાલક અને કારમાં બેસેલા બીજા બે પ્રવાસીઓએ તેનો વિનયભંગ કર્યો હતો અને તેની બાળકીને ચાલતી કારમાંથી ફેંકી દીધી હતી. બાળકીને બચાવવા માટે પોતે પણ ચાલતી કારમાંથી કૂદી હતી. આ બનાવમાં મહિલાની બાળકીને ગંભીર ઈજા થવાથી તેનું બાદમાં મૃત્યુ થયું હતું, જ્યારે મહિલાને માથામાં ઈજા થતાં તેને નાલાસોપારા-પૂર્વમાં આવેલી વસઈ-વિરાર મહાનગરપાલિકાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
મહિલાએ આરોપ કર્યો છે કે કારમાંથી કૂદકો માર્યા બાદ રસ્તામાં તે પડી હતી, પણ કારચાલક કે હાઇવે ટ્રાફિક પોલીસે તેની મદદ નહોતી કરી. થોડી વાર પછી કેટલાક લોકો દોડી આવ્યા હતા. એ પછી કોઈકે તેને કારમાં બેસાડીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી હતી. બાળકીનું મૃત્યુ થયું હોવાની જાણ પણ કોઈએ નહોતી કરી. આ ઘટના માંડવી પોલીસ સ્ટેશનની હદમાં બની હોવા છતાં અહીંની પોલીસ મામલો દબાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ પણ મહિલાએ કર્યો હતો.
નાલાસોપારા વિસ્તારના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર રામચંદ્ર દેશમુખે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મહિલા તેની ૧૦ મહિનાની બાળકી સાથે કારમાં પ્રવાસ કરતી હતી ત્યારે તે કોઈક રીતે ચાલતી કારમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. ટ્રાફિક પોલીસે તેને બચાવીને તાત્કાલિક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી હતી. આ બનાવ બન્યો ત્યારે કારમાં ડ્રાઇવર સહિત ચાર પ્રવાસીઓ હતા. આમાંથી ત્રણ લોકોએ વિનયભંગ કર્યો હોવાનો આરોપ તે કરી રહી છે. ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ કર્યા બાદ જ હકીકતમાં શું બન્યું હતું એ જાણી શકાશે. કારના ડ્રાઈવર સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે.’
પોલીસે હજી મહિલાનું નિવેદન નોંધ્યું નથી, પણ આ કેસમાં પોલીસની ભૂમિકા પર મહિલા શંકા વ્યક્ત કરી રહી છે એટલે આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હોવાનું મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું.