સાઇબર ફ્રૉડની હેલ્પલાઇને શનિવારે ૧ કરોડ રૂપિયા બચાવ્યા પબ્લિકના
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસની સાઇબર ફ્રૉડ સામેની હેલ્પલાઇન ૧૯૩૦ ખરેખર લોકો માટે હેલ્પફુલ બની રહી હોવાનું બહાર આવ્યું છે. પાંચમી ઑક્ટોબરે એક જ દિવસમાં મુંબઈ પોલીસના સાઇબર ડિપાર્ટમેન્ટે સાઇબર ફ્રૉડનો ભોગ બનેલા લોકોના ૧ કરોડ રૂપિયા બચાવી લીધા હતા.
ઑનલાઇન, સાઇબર ફ્રૉડનો શિકાર બનેલા લોકોએ ૧૯૩૦ પર સંપર્ક કરી હેલ્પ માગી હતી. મુંબઈ પોલીસના સાઇબર વિભાગના ઑફિસરોએ ઝડપી કાર્યવાહી કરી નોડલ ઑફિસરો સાથે સંપર્ક સાધી છેતરાયેલા લોકો દ્વારા સાઇબર ગઠિયાઓનાં અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરેલી રકમ ફ્રીઝ કરી હતી. આમ તે લોકોની ૧ કરોડની રકમ ગઠિયાઓ પાસે પહોંચે એ પહેલાં જ રોકી લેવાઈ હતી અને લોકોના પૈસા બચી ગયા હતા. આ સાઇબર છેતરપિંડીના કેસમાં અન્ય યુક્તિઓ સહિત ડિજિટલ અરેસ્ટનો પણ સમાવેશ થાય છે.