મીરા રોડની આ ઘટનામાં પોલીસે આરોપીઓ પાસેથી માત્ર એક ચેઇન રિકવર કરી : બે દિવસની કસ્ટડી મેળવીને વધુ તપાસ હાથ ધરી
Crime News
શનિવારે ૧૦૦0 થી વધુ પોલીસ કર્મચારીઓ તે કાર્યક્રમમાં હાજર હતા (ફાઇલ તસવીર)
મીરા રોડમાં બાગેશ્વરધામ સરકારના દિવ્ય દર્શનના કાર્યક્રમમાં ૩૬ મહિલાઓની સોનાની ચેઇન-મંગળસૂત્ર આંચકવાની ફરિયાદ નોંધાવ્યા બાદ વધુ ૧૬ મહિલાઓએ આવી ફરિયાદ નોંધાવતા ગુનાનો આંકડો બાવન થયો છે. આ મામલામાં પકડવામાં આવેલી છ મહિલા આરોપી રાજસ્થાનની અલવર અને ભરતપુરની છે. બે જુદી જુદી ગૅન્ગની પચીસ જેટલી મહિલાઓ આ કાંડમાં સામેલ હોવાનું પોલીસ કહે છે.
મીરા રોડના સેન્ટ્રલ પાર્ક ગ્રાઉન્ડમાં સ્થાનિક અપક્ષ વિધાનસભ્ય ગીતા જૈનના પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલા બાગેશ્વરધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દર્શન કાર્યક્રમ વખતે ગિરદીનો લાભ લઈને બાવન મહિલાઓના દાગીનાની શનિવારે રાત્રે ચીલઝડપ થઈ હતી.
ADVERTISEMENT
મીરા રોડ પોલીસે આ મામલામાં રાજસ્થાનના અલવર અને ભરતપુરમાં રહેતી અને ભીડનો ફાયદો ઉઠાવીને દાગીનાની ચીલઝડપ કરતી છ મહિલાની ધરપકડ કરી છે. એમાં ૪૫ વર્ષની ગીતા સરદાર, ૩૦ વર્ષની હેમા સૂર્યા, ૨૦ વર્ષની સેતુ કરમબીર, ૨૫ વર્ષની પિન્કી રાહુલ, ૫૫ વર્ષની રેશમા બાબરિયા અને ૨૨ વર્ષની સોનિયા અનિલનો સમાવેશ થાય છે.
મીરા રોડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજયસિંહ બાગલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધાર્મિક કાર્યક્રમમાં ભીડમાં ઘૂસીને ૩૬ મહિલાઓના દાગીના ખેંચવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલી છ મહિલા સામે રાજસ્થાનના અલવરમાં પણ આવી જ રીતે દાગીના આંચકવાનો કેસ પોલીસના ચોપડે નોંધાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. મીરા રોડમાં તેમની સાથે બીજી પણ કેટલીક મહિલાઓ હોવાની શક્યતા છે. બે દિવસની પોલીસ-કસ્ટડી મેળવીને આ ફરાર આરોપીઓની માહિતી મેળવવામાં આવી રહી છે. તફડાવામાં આવેલા બાવન દાગીનામાંથી અમને અત્યાર સુધી આ છ મહિલા પાસેથી એક સોનાની ચેઇન હાથ લાગી છે.’
ઝોન વનના ડેપ્યુટી પોલીસ કમિશનર જયંત બજબળેએ આ બાબતે ગઈ કાલે પત્રકારોને માહિતી આપી હતી કે ‘અત્યાર સુધીની તપાસમાં જણાયું છે કે રાજસ્થાનના અલવર અને ભરતપુરમાં રહેતી બે જુદી જુદી મહિલા ગૅન્ગે અહીંના ધાર્મિક કાર્યક્રમમાં બાવન મહિલાઓને નિશાન બનાવી હતી. બે જુદી જુદી ગૅન્ગની આરોપી મહિલાઓ આમાં સામેલ હોવાની શક્યતા છે. તેઓ ગીરદીમાં મહિલાઓના માથા પર ઓઢણી નાખીને મંગળસૂત્ર કે સોનાની ચેન તફડાવતી હોવાનું પૂછપરછમાં જણાયું છે. આમાં ૨૫થી ૩૦ મહિલા સામેલ હોઈ શકે છે.’