ચીને 28 ઓગસ્ટના રોજ તેના `સ્ટાન્ડર્ડ મેપ` ની 2023 આવૃત્તિ બહાર પાડી હતી. જેમાં ખોટી રીતે ભારતના અમુક ભાગને ચીની ક્ષેત્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટમાં પીએમ મોદી અને શી જિનપિંગે સ્ટેજ શેર કર્યાના એક અઠવાડિયા પછી ચીનની આ `મેપ ગેમ` સામે આવી છે. 28 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલા નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીન પ્રદેશને ચીનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. ચીને તાઈવાન અને દક્ષિણ ચીન સાગર પર પણ દાવા કર્યા હતા અને 9-ડૅશ લાઇનને પાર કરીને તેને 10-ડૅશ લાઇન બનાવી હતી. જો કે, અનેક પ્રસંગો આપણી સામે છે જેમાં નવી દિલ્હીએ ચીનની વિસ્તરણવાદી નીતિઓના દાવાઓને ફગાવી દીધા છે.