ચીનના પ્રેસિડન્ટ તરીકે તેમની અભૂતપૂર્વ ત્રીજી મુદતને આ દેશની રબર-સ્ટૅમ્પ સંસદ દ્વારા મંજૂરી મળી
બીજિંગમાં ગઈ કાલે ગ્રેટ હૉલ ઑફ ધ પીપલમાં ચીનની નૅશનલ પીપલ્સ કૉન્ગ્રેસના સેશન દરમ્યાન ચીનના પ્રેસિડન્ટ તરીકે સર્વાનુમતે ચૂંટાયા બાદ શપથ ગ્રહણ કરતા શી જિનપિંગ.
બીજિંગ: ચીનના પ્રેસિડન્ટ તરીકે શી જિનપિંગની અભૂતપૂર્વ ત્રીજી મુદતને આ દેશની રબર-સ્ટૅમ્પ સંસદ દ્વારા ગઈ કાલે સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ તેઓ છેલ્લી અનેક પેઢીઓમાં ચીનના સૌથી પાવરફુલ લીડર બન્યા છે. ઑક્ટોબર ૨૦૨૨માં ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીની ૨૦મી નૅશનલ કૉન્ગ્રેસમાં જિનપિંગે પોતાની પાર્ટી પર કન્ટ્રોલ વધુ મજબૂત કર્યો હતો.
બીજિંગના ગ્રેટ હૉલ ઑફ ધ પીપલમાં માત્ર ઔપચારિકતા ખાતર કરવામાં આવેલા વોટિંગમાં વધુ પાંચ વર્ષ માટે પ્રેસિડન્ટ તરીકે જિનપિંગની નિમણૂક કરવામાં આવી હતી. વાસ્તવમાં આ ઔપચારિકતા દ્વારા શાસક પાર્ટીમાં એકતા હોવાનું બતાવવામાં આવ્યું હતું. તમામ ૨૯૫૨ મત જિનપિંગને વધુ ટર્મ આપવાની તરફેણમાં પડ્યા હતા.
ADVERTISEMENT
જિનપિંગની ફરીથી નિમણૂક કરવામાં આવી એ તો માત્ર એક ઔપચારિકતા છે, કેમ કે તેમને ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના વડા તરીકે ત્રીજી મુદત મળી ગઈ હતી. ચીનમાં ખરો પાવર પાર્ટી અને મિલિટરીના વડા પાસે રહેલો છે અને આ બન્ને પોસ્ટ્સ જિનપિંગ ધરાવે છે.
હવે જિનપિંગના સૌથી વિશ્વાસુ લિ કિઆંગની આજે ચીનના પ્રીમિયર તરીકે પસંદગી કરવામાં આવે એવી શક્યતા છે. આમ તો દેશની ઇકૉનૉમીના સંબંધમાં મહત્ત્વના નિર્ણયો પ્રીમિયર લેતા હોય છે. જોકે છેલ્લા એક દશકથી એના અધિકારો પણ જિનપિંગ દ્વારા છીનવી લેવામાં આવ્યા છે. લગભગ તમામ મહત્ત્વના નિર્ણયો તેઓ પોતે જ લે છે.
જિનપિંગની સામે અનેક પડકારો છે
જિનપિંગની સત્તા પર લોખંડી પકડ છે, પરંતુ તેઓ ઘરઆંગણે અને વિદેશોમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. ત્રણ વર્ષ સુધી કોરોનાને રોકવા માટેનાં આકરાં નિયંત્રણોને કારણે ચીનની ઇકૉનૉમીને ખૂબ જ અસર થઈ છે. હજી અર્થતંત્ર રિકવર થઈ રહ્યું છે. રોકાણકારોનો વિશ્વાસ જતો રહ્યો છે. બીજી તરફ માનવાધિકારોના ભંગ, ભારત અને તાઇવાન સહિત જુદા-જુદા દેશોની સાથે લશ્કરી ઘર્ષણ, કોરોનાની મહામારી તેમ જ રશિયા સાથેની મજબૂત થતી પાર્ટનરશિપને કારણે ચીનના પશ્ચિમી દેશો સાથેના સંબંધોમાં ખૂબ જ તનાવ છે.