પર્થના ટ્રસ્ટ દ્વારા રામ મંદિર બનાવવા હાથ ધરવામાં આવી કવાયતઃ મંદિરની ડિઝાઇન અન્ડર પ્રોસેસ ઃ જોકે આખું સ્ટોનનું મંદિર નહીં બને
લાઇફ મસાલા
અયોધ્યાનું રામ મંદિર
મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના અયોધ્યામાં ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ થયા બાદ હવે ઑસ્ટ્રેલિયામાં વસતા હિન્દુ સમાજના લોકોએ પણ પર્થમાં વિશ્વનું સૌથી ઊંચું રામ મંદિર બનાવવા કવાયત હાથ ધરી છે. આ રામ મંદિરનું કાર્ય અમદાવાદના જાણીતા સોમપુરા ફૅમિલીને સોંપાયું છે જેમની સાથે ચર્ચા કરીને પર્થમાં રામ મંદિર કેવું બને એની ડિઝાઇન અન્ડર પ્રોસેસ છે.
અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય અને દિવ્ય મંદિર આર્કિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરા અને તેમની ફૅમિલીએ બનાવ્યું હતું એ પછી હવે ઑસ્ટ્રેલિયાના પર્થમાં બનનારા રામ મંદિર માટેની જવાબદારી પણ સોમપુરા ફૅમિલીને સોંપવામાં આવી છે ત્યારે આર્કિટેક્ટ આશિષ સોમપુરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયાના પર્થમાં રામ મંદિરની ડિઝાઇન કરવા અમે જઈ રહ્યા છીએ. આ ડિઝાઇન અન્ડર પ્રોસેસ છે, ફાઇનલાઇઝ નથી થઈ. ઑસ્ટ્રેલિયાના દિલાવરસિંહ જેઓ ત્યાનાં ટ્રસ્ટના ચૅરમૅન છે તેમણે અમારી સાથે વાત કરી છે કે પર્થમાં રામ મંદિર બનાવવું છે એટલે એની ડિઝાઇન અન્ડર પ્રોસેસ છે. જોકે આ મંદિર અયોધ્યાના રામ મંદિર જેવું જ તો પૉસિબલ નથી કેમ કે એ ડિઝાઇન રિપીટ નહીં થાય, પણ જોઈએ કેવી ડિઝાઇન થઈ શકે છે. આ રામ મંદિર માટે અત્યારે ડિસ્કશન થયું છે કે આ કરવું છે અને આ બાબતે છ મહિનાથી વાત ચાલે છે અને હમણાં અયોધ્યામાં તેમની સાથે મળવાનું થયું હતું. પર્થમાં આખું સ્ટોનનું મંદિર તો પૉસિબલ નથી પણ પર્થમાં શું થઈ શકે, કેવું મંદિર થઈ શકે એ વિશે દિલાવરસિંહ પર્થ જઈને ટ્રસ્ટ સાથે વાત કરીને કહેશે. પર્થમાં રામ મંદિર ૭૦૦ ફુટ ઊંચું બનાવવાની વાત છે.’
ADVERTISEMENT
અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું અલૌકિક મંદિર બન્યા પછી વિશ્વભરમાં એની નોંધ લેવાઈ છે અને વિશ્વભરમાંથી અસંખ્ય શ્રદ્ધાળુઓએ અયોધ્યા આવીને દર્શન કરીને ધન્યતા અનુભવી છે અને અનુભવી રહ્યા છે ત્યારે હવે ઑસ્ટ્રેલિયાના પર્થમાં પણ વિશ્વનું સૌથી ઊંચું રામ મંદિર બનાવવા ત્યાંના હિન્દુ સમાજના લોકો આગળ આવ્યા છે. કહેવાય છે કે આ મંદિર ૧૫૦ એકર જમીન પર બનશે અને પાંચ માળનું હશે.