WHOનું કહેવું છે કે આ વર્ષે આફ્રિકામાં અત્યાર સુધી ૧૪,૦૦૦થી વધારે કેસ નોંધાયા છે
પ્રતીકાત્મક તસવીર
અગાઉ મન્કીપૉક્સ તરીકે ઓળખાતા Mpox નામના વાઇરસે આખી દુનિયાનું ટેન્શન ફરી એક વાર વધારી દીધું છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ બુધવારે મોડી રાતે જાહેરાત કરી હતી કે આફ્રિકામાં વધી રહેલા Mpoxના કેસ ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમર્જન્સી છે. એની સાથે WHOએ ચેતવણી પણ આપી છે કે આ વાઇરસ એક દેશ પૂરતો સીમિત નથી. અત્યારે એ ૧૧૬ દેશોને પ્રભાવિત કરી ચૂક્યો હોવાથી એને ‘ઍક્યુટ’ ગ્રેડ ૩માં મૂકવામાં આવ્યો છે. WHOનું કહેવું છે કે આ વર્ષે આફ્રિકામાં અત્યાર સુધી ૧૪,૦૦૦થી વધારે કેસ નોંધાયા છે અને એમાંથી ૫૨૪ લોકોનાં મૃત્યુ થયાં છે જે ગયા વર્ષ કરતાં વધારે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં WHOએ આ વાઇરસને લઈને બીજી વાર ગ્લોબલ ઇમર્જન્સી જાહેર કરી છે.
હાલમાં આ વાઇરસના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ આફ્રિકાની સાથે અમેરિકા અને યુરોપમાં પણ Mpoxના કેસ સામે આવ્યા છે. Mpoxને પહેલાં મન્કીપૉક્સ કહેવામાં આવતું હતું. આ એક વાઇરલ બીમારી છે. સૌથી પહેલાં આ બીમારી ૧૯૫૮માં ડેન્માર્કમાં વાંદરામાં જોવા મળી હોવાથી એનું નામ મન્કીપૉક્સ પડ્યું હતું. ગે અને બાયસેક્સ્યુઅલ્સને આ બીમારી થવાની શક્યતા વધારે હોવાનું ડૉક્ટરોનું કહેવું છે. તાવ આવવો, માથું દુખવું, મસલ્સમાં દુખાવો થવો તેમ જ મોઢેથી શરૂ થઈને આખા શરીર પર ઝીણી દાણા જેવી ફોલ્લી થવી એ આ બીમારીનાં લક્ષણો છે.