અમેરિકાના આકાશમાં ત્રણ બસ જેટલી સાઇઝનું શંકાસ્પદ ચાઇનીઝ સ્પાય બલૂન ઊડતું જોવા મળતાં ગભરાટ ફેલાયો, આ બલૂનને તોડી પાડવા તૈયારી કરાઈ
એક બલૂન માટે અમેરિકાએ કેમ ફાઇટર જેટ્સ રેડી પોઝિશન પર રાખવાં પડ્યાં?
વૉશિંગ્ટનઃ અમેરિકાના આકાશમાં ખૂબ જ ઊંચાઈએ ત્રણ બસ જેટલી સાઇઝનું એક શંકાસ્પદ ચાઇનીઝ સ્પાય બલૂન ઊડતું જોવા મળતાં અહીં ગભરાટ ફેલાયો છે. અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે આ સ્પાય બલૂનને ટ્રૅક કરવામાં આવી રહ્યું છે. અમેરિકા અને ચીનના સંબંધોમાં પહેલાંથી જ તનાવ છે ત્યારે આ નવા ઘટનાક્રમથી આ તનાવમાં વધારો થઈ શકે છે.
પેન્ટાગૉનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પેટ્રિક રાયડરે કહ્યું હતું કે ‘અમેરિકન સરકાર અનેક દિવસોથી આ બલૂનને ટ્રૅક કરી કરી છે. અમેરિકાના ઉત્તર વિસ્તારમાં એ ઊડી રહ્યું છે. એ કમર્શિયલ પ્લેન્સ કરતાં ખાસ્સી ઊંચાઈ પર
ઊડી રહ્યું છે. એનાથી જમીન પર લોકોને કે મિલિટરીને કોઈ ખતરો નથી.’
અમેરિકાના સંરક્ષણ વિભાગના એક સિનિયર અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ સ્પાય બલૂનનો કાટમાળ પડવાને કારણે જમીન પર લોકોની સુરક્ષા માટે ખતરો થઈ શકે છે એવા ડરથી મિલિટરીના સિનિયર
અધિકારીઓએ પ્રેસિડન્ટ જો બાઇડનને આ બલૂનને તોડી ન પાડવાની સલાહ આપી છે.
જોકે બાઇડન આ બલૂનને તોડી પાડવાનો આદેશ આપે એવી સ્થિતિને ધ્યાનમાં રાખીને એફ—22 સહિતનાં ફાઇટર જેટ્સને રેડી પોઝિશન પર રાખવામાં આવ્યાં છે.
આ અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ સ્પાય બલૂન પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાનું છે. છેલ્લાં અનેક વર્ષોથી આ પ્રકારની પ્રવૃત્તિ જોવા મળી રહી છે.’
આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘આ બલૂન અત્યારે જે માર્ગ પર ઊડી રહ્યું છે એમાં અનેક સંવેદનશીલ સાઇટ્સ છે. અમેરિકા વિદેશીઓથી સંવેદનશીલ માહિતીને પ્રોટેક્ટ કરવા માટે પગલાં લઈ રહ્યું છે. અમે સતત આ બલૂનને મૉનિટર કરતા રહીએ છીએ.’
અમેરિકા માને છે કે પૃથ્વીની નિમ્ન ભ્રમણકક્ષામાં રહેલા ચાઇનીઝ સ્પાય સૅટેલાઇટ્સ આ બલૂન જેટલી કે એનાથી પણ વધુ સારી રીતે સંવેદનશીલ માહિતી એકત્ર કરી શકે છે.
અમેરિકન સરકારે વૉશિંગ્ટનમાં ચાઇનીઝ એમ્બેસી અને ચીનમાં અમેરિકન ડિપ્લોમૅટિક મિશન બન્ને જગ્યાએ ચીનની સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.
અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ ચીન દ્વારા જાસૂસીના પ્રયાસો વિશે સતત ચેતવણી આપી રહ્યા છે. વળી સંવેદનશીલ ક્ષણે બલૂનની આ હાજરી જોવા મળી છે, કેમ કે અમેરિકાના વિદેશપ્રધાન ઍન્ટની બ્લિન્કન આગામી દિવસોમાં ચીનની મુલાકાતે જાય એવી શક્યતા છે.
ચીનમાં માનવાધિકારોનો ભંગ, સાઉથ ચાઇના સીમાં એની મિલિટરી ઍક્ટિવિટીઝ તેમ જ તાઇવાનને ધમકીને લઈને અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘર્ષણની સ્થિતિ છે.