નરેન્દ્ર મોદીએ ફોન કરીને અભિનંદન આપ્યાં એ પછી ડોનલ્ડ ટ્રમ્પ ઓળઘોળ
નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટપદની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ડોનલ્ડ ટ્રમ્પને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપ્યાં હતાં અને તેમની સાથે વાતચીત કરી હતી. મોદીએ ફરી સાથે મળીને કામ કરવા પર ખુશાલી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ ડોનલ્ડ ટ્રમ્પે ભારતનાં અને વડા પ્રધાન મોદીનાં જોરદાર વખાણ કર્યાં હતાં. તેમણે ભારતને વિલક્ષણ દેશ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિલક્ષણ નેતા ગણાવ્યા હતા. ટ્રમ્પે ભારતને મહત્ત્વપૂર્ણ સહયોગી દેશ ગણાવ્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘ચૂંટણીમાં જીત બાદ વડા પ્રધાન મોદી પહેલા વૈશ્વિક નેતા હતા જેમની સાથે મારી વાતચીત થઈ હતી. આખી દુનિયા વડા પ્રધાન મોદીને ચાહે છે.’
વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને વાઇટ હાઉસના બીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યાં હતાં અને બેઉ નેતાઓએ રણનીતિક લક્ષ્યો પર નવેસરથી સહયોગ સાથે કામ કરવા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે વડા પ્રધાન મોદીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું કે ‘મારા મિત્ર, પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સાથે શાનદાર વાતચીત થઈ. તેમની આ ઐતિહાસિક જીત માટે અભિનંદન વ્યક્ત કર્યાં. ટેક્નૉલૉજી, સંરક્ષણ, એનર્જી, સ્પેસ અને બીજાં અન્ય ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા ફરી એક વાર સાથે મળીને કામ કરવાની આશા છે.’