કોવિડ-19 હજી આપણી વચ્ચે છે અને એ વિવિધ દેશોમાં ફેલાઈ રહ્યો છે
લાઇફમસાલા
પ્રતીકાત્મક તસવીર
વિશ્વમાં કોવિડ-19નો ખતરો હજી ટળ્યો નથી એવી ચેતવણી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ આપી છે. એના કહેવા મુજબ ૮૪ દેશોમાં પૉઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. કોવિડ-19ના નવા કેસ અમેરિકા, યુરોપ અને વેસ્ટર્ન પૅસિફિક વિસ્તારમાં જોવા મળ્યા છે. આ ચેપ બેથી ૨૦ ટકાની ઝડપથી વધી રહ્યો છે.
આ સંદર્ભમાં WHOનાં ડૉ. મારિયા વાન કેરખોવેએ જિનીવામાં પત્રકારોને જણાવ્યું હતું કે ‘કોવિડ-19 હજી આપણી વચ્ચે છે અને એ વિવિધ દેશોમાં ફેલાઈ રહ્યો છે. ગયાં થોડાં અઠવાડિયાંમાં ૮૪ દેશોમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. સરેરાશ પૉઝિટિવિટી રેટ ૧૦ ટકા કરતાં વધારે છે. યુરોપમાં આ દર ૨૦ ટકાથી વધારે છે. બીજી તરફ ફૉર્ચ્યુન મૅગેઝિને કહ્યું છે કે ઉનાળામાં આ વાઇરસનો પ્રસાર થયો છે અને જુલાઈમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન પણ પૉઝિટિવ આવ્યા હતા, પૅરિસ ઑલિમ્પિક્સમાં પણ ૪૦ ઍથ્લીટ કોવિડ-19 પૉઝિટિવ આવ્યા હતા. તેમને શ્વાસની બીમારી થઈ હતી. જે લોકોએ છેલ્લા ૧૨ મહિનામાં રસી લીધી છે તેમને ચેપ લાગવાની શક્યતા ઓછી છે, કારણ કે રસીની અસર ૧૨થી ૧૮ મહિના સુધી રહે છે.