ઉઝબેકિસ્તાને આરોપ મૂક્યો હતો કે મૅરિયન બાયોટેક કંપની દ્વારા ઉત્પાદિત કફ-સિરપ પીવાના કારણે લગભગ ૧૮ બાળકો મૃત્યુ પામ્યાં હતાં
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન ફાઇલ તસવીર
જિનીવા : વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ ભલામણ કરી છે કે નોએડામાં આવેલી કંપની મૅરિયન બાયોટેક દ્વારા ઉત્પાદિત બે કફ -સિરપનો ઉઝબેકિસ્તાનમાં બાળકો માટે ઉપયોગ ન કરવો જોઈએ. નોંધપાત્ર છે કે બાવીસમી ડિસેમ્બરે ઉઝબેકિસ્તાને આરોપ મૂક્યો હતો કે મૅરિયન બાયોટેક કંપની દ્વારા ઉત્પાદિત કફ-સિરપ્સ પીવાથી લગભગ ૧૮ બાળકો મૃત્યુ પામ્યાં હતાં.
હવે ડબ્લ્યુએચઓએ એક મેડિકલ પ્રોડક્ટ અલર્ટમાં જણાવ્યું હતું કે મૅરિયન બાયોટેક દ્વારા ઉત્પાદિત મેડિકલ પ્રોડક્ટ્સ ઊતરતી કક્ષાની છે. આ પ્રોડક્ટ્સ ક્વૉલિટીના સ્ટાન્ડર્ડ્સમાં ખરી ઊતરી નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ઉઝબેકિસ્તાનમાં બાળકોનાં મૃત્યુની ભારતમાં તપાસ શરૂ
ડબ્લ્યુએચઓએ એની વેબસાઇટ પર જણાવ્યું છે કે ‘ઉઝબેકિસ્તાન દ્વારા બે ઊતરતી કક્ષાની પ્રોડક્ટ્સ વિશે બાવીસમી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ જણાવવામાં આવ્યું હતું. આ બે પ્રોડક્ટ્સ એમ્બ્રોનોલ સિરપ તેમ જ ડોક-1 મેક્સ સિરપ છે. આ બન્ને પ્રોડક્ટ્સના ઉત્પાદક મૅરિયન બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ છે. આજની તારીખ સુધીમાં આ ઉત્પાદકે આ પ્રોડક્ટ્સની સેફ્ટી અને ક્વૉલિટીને લઈને ડબ્લ્યુએચઓને કોઈ ગૅરન્ટી પૂરી પાડી નથી.’
મૅરિયન બાયોટેકનું કફ-સિરપ પીવાને કારણે ઉઝબેકિસ્તાનમાં કેટલાંક બાળકોનાં મોત થયાં હોવાનું બહાર આવ્યા બાદ આ કંપની પર સંકટનાં વાદળો છવાયાં હતાં.
ડબ્લ્યુએચઓ અનુસાર રિપબ્લિક ઑફ ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયની નૅશનલ ક્વૉલિટી કન્ટ્રોલ લૅબોરેટરીઝ દ્વારા કરવામાં આવેલા કફ-સિરપનાં સૅમ્પલ્સના લૅબોરેટરી ઍનૅલિસિસમાં જોવા મળ્યું હતું કે આ બન્ને પ્રોડક્ટ્સમાં ડાયથિલિન ગ્લાયકોલ અસ્વીકાર્ય પ્રમાણમાં હતું. ડબ્લ્યુએચઓની અલર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ બન્ને પ્રોડક્ટ્સનું અન્ય દેશોમાં પણ વેચાણ થયું હોઈ શકે છે.