ભારત જે વાત છેલ્લા અનેક દસકાથી કહી રહ્યું છે એને હવે પાકિસ્તાનના ગૃહપ્રધાને સંસદમાં જ સ્વીકારી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પેશાવરમાં સોમવારે થયેલા ભયાનક હુમલા બાદ હવે પાકિસ્તાનને પોતાની ભૂલ સમજાઈ ગઈ હોવાનું જણાય છે અને પાકિસ્તાને એને સ્વીકારવાનું શરૂ પણ કર્યું છે. પાકિસ્તાનના ગૃહપ્રધાન રાણા સનાઉલ્લાહે આવી જ એક વાસ્તવિકતાને સ્વીકારી છે.
તેમણે કહ્યું હતું કે ‘આપણે મુજાહિદ્દીનો ઊભા કર્યા અને તેઓ બાદમાં આતંકવાદી બની ગયા. આપણે મુજાહિદ્દીનોને ઊભા કરવાની જરૂર નહોતી.’
ADVERTISEMENT
ભારત આ જ વાત છેલ્લા અનેક દસકાથી કહી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન હંમેશાં એને નકારતું રહ્યું હતું. રાણા સનાઉલ્લાહે સંસદમાં સ્વીકાર્યું હતું કે મુજાહિદ્દીનોને એક વૈશ્વિક તાકાતોની વિરુદ્ધ લડવા માટે તૈયાર કરવામાં આવ્યા એ પાકિસ્તાનની સામૂહિક ભૂલ હતી. તેમણે મંગળવારે સંસદના ઉપલા ગૃહને સંબોધતી વખતે આમ જણાવ્યું હતું.
સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે પણ નૅશનલ ઍસેમ્બલીમાં જણાવ્યું હતું કે દેશની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ આતંકવાદીઓની વિરુદ્ધ ઑપરેશન બાબતે નિર્ણય કરશે. પાકિસ્તાનના ગૃહપ્રધાને એવો પણ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની સરકારે આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન કે પાકિસ્તાની તાલિબાનના સભ્યોને મુક્ત કર્યા હતા જેમને પાકિસ્તાની અદાલતોમાં મોતની સજા આપવામાં આવી હતી.
સનાઉલ્લાહની આ કમેન્ટ પેશાવરમાં ૩૦મી જાન્યુઆરીએ મસ્જિદમાં કરવામાં આવેલા હુમલા બાદ કરવામાં આવી છે, જેમાં ૧૦૦થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને ૨૨૦ જણને ઈજા થઈ હતી. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને વધુ હુમલાની ધમકી આપી છે.
નોંધપાત્ર છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને તાજેતરમાં પાકિસ્તાનમાં પોલીસ અને સુરક્ષા દળોને નિશાન બનાવીને અનેક હુમલાઓ કરવાની જાહેરાત કરી હતી.
હવે પોલીસ સ્ટેશન પર હુમલો
પેશાવરની મસ્જિદમાં આત્મઘાતી હુમલા બાદ વધુ એક વખત પાકિસ્તાની તાલિબાનના આતંકવાદીઓએ પોલીસને ટાર્ગેટ કરી હતી. હથિયારોથી સજ્જ તાલિબાની આતંકવાદીઓએ પંજાબ પ્રાંતના મિયાંવાલીમાં એક પોલીસ સ્ટેશન પર ગોળીઓ વરસાવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ ૨૦ આતંકવાદીઓએ મંગળવારે રાતે મિયાંવાલીના મેકરવાલ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. જોકે પોલીસે વળતો ગોળીબાર કરતાં આતંકવાદીઓ નાસી ગયા હતા.પોલીસ અને આતંકવાદીઓની વચ્ચે બે કલાક સુધી ગોળીબાર થયો હતો. હવે આતંકવાદીઓને પકડવા માટે અભિયાન ચલાવાયું છે.