યુક્રેનના પ્રેસિડન્ટ માટે બે મિનિટ કરતાં વધુ સમય સુધી તાળીઓનો ગડગડાટ રહ્યો
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી
વૉશિંગ્ટન : યુક્રેન ‘ધબકી રહ્યું છે અને લડાઈ લડી રહ્યું છે’ અને ક્યારેય શરણાગતિ નહીં સ્વીકારે. રશિયાના આક્રમણ બાદથી પહેલી ફૉરેન ટ્રિપ પર બુધવારે અમેરિકાના સંસદસભ્યોને સંબોધતાં પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ વાત જણાવી હતી.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે યુક્રેનને અમેરિકા દ્વારા આપવામાં આવતી લશ્કરી સહાય એ ચૅરિટી નહીં, પરંતુ ભવિષ્યની સલામતી માટે ઇન્વેસ્ટમેન્ટ છે.
ADVERTISEMENT
અમેરિકન કૉન્ગ્રેસમાં રિપબ્લિકન સંસદસભ્યો દ્વારા યુક્રેનને સપોર્ટ પૂરો પાડવા બાબતે વાંધો ઉઠાવવામાં આવે એવી શક્યતા હતી ત્યારે એવા સમયે તેમણે આ અપીલ કરી છે. જોકે પ્રેસિડન્ટ જો બાઇડને શક્ય હોય ત્યાં સુધી યુક્રેનના પડખે રહેવાનો સંકલ્પ કર્યો છે.
યુક્રેનને સહાય આપવા માટેના ખર્ચ તેમ જ વૈશ્વિક સ્તરે ફૂડ અને એનર્જી સપ્લાય વ્યવસ્થા ખોરવાઈ જવાના કારણે અમેરિકાના કેટલાક સાથી પક્ષોને મુશ્કેલી નડી રહી છે ત્યારે અમેરિકન પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે યુક્રેનને સાથી દેશો સપોર્ટ આપી રહ્યા છે એ જોઈને તેમને ખુશી થઈ રહી છે.
ઝેલેન્સ્કીએ આશા વ્યક્ત કરી હતી કે યુક્રેનને વધારાની ૪૫ અબજ ડૉલર (૩૭૨૩.૧૯ અબજ રૂપિયા)ની સહાય આપવાના પ્રસ્તાવને કૉન્ગ્રેસ પસાર કરશે. આ પ્રસ્તાવ અત્યારે અમેરિકન સૅનેટ સમક્ષ છે.
જાન્યુઆરીમાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ પર રિપબ્લિકન્સનો કન્ટ્રોલ થઈ જશે. રિપબ્લિકન્સે ચેતવણી આપી છે કે તેઓ યુક્રેન માટે ‘બ્લૅન્ક ચેક્સ’ નહીં લખે.
જોકે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે કૉન્ગ્રેસમાં ગમે એ ફેરફારો થાય, પરંતુ તેઓ માને છે કે બન્ને પાર્ટી તરફથી તેમના દેશને સપોર્ટ મળશે. ઝેલેન્સ્કી પોલૅન્ડના સિટી રઝેસઝોથી અમેરિકન ઍર ફોર્સના જેટમાં ગયા હતા.
તેમણે કૉન્ગ્રેસના જૉઇન્ટ સેશન સમક્ષ ખૂબ જ લાગણીસભર રજૂઆત કરી હતી. કૉન્ગ્રેસના લગભગ તમામ સભ્યો દ્વારા સ્ટૅન્ડિંગ ઓવેશન્સ અપાતાં તેમણે સ્પીચ આપતી વખતે ૧૮ વખત અટકી જવું પડ્યું હતું. ઝેલેન્સ્કી માટે બે મિનિટ કરતાં વધુ સમય સુધી તાળીઓનો ગડગડાટ રહ્યો હતો. જોકે અપવાદરૂપ કેટલાક રિપબ્લિકન સંસદસભ્યોએ તાળી પણ નહોતી પાડી.
ઝેલેન્સ્કી ઇંગ્લિશમાં બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમામ મુશ્કેલીઓ છતાં તેમનો દેશ લડી રહ્યો છે અને આવતા વર્ષે આ યુદ્ધમાં ‘ટર્નિંગ પૉઇન્ટ’ આવશે એવી આગાહી કરી હતી. નોંધપાત્ર છે કે બુધવારે અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલી સુરક્ષા સહાયના પૅકેજમાં નવી પેટ્રિયટ મિસાઇલ સિસ્ટમ સામેલ છે, જે રશિયા દ્વારા મહત્ત્વનાં સંસ્થાનો પર ફાયર કરાતી મિસાઇલ અને ડ્રોન્સથી પોતાનાં શહેરોને બચાવવામાં યુક્રેનને મદદ કરશે.