દેખાવકારોએ કરી શેખ હસીનાના રાજીનામાની માગણી : ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ અને 4G ઇન્ટરનેટ સર્વિસ બંધ : ભારતીયોને અલર્ટ રહેવાની સૂચના
ગઈ કાલે ઢાકાની બંગબંધુ શેખ મુજિબ મેડિકલ યુનિવર્સિટી હૉસ્પિટલમાં દેખાવકારોએ એક વાહનને આગ ચાંપી દીધી હતી.
બંગલાદેશમાં રવિવારે ફરીથી આરક્ષણ વિરોધી છાત્ર લીગ અને જુબો લીગના પ્રદર્શનકારીઓ અને સત્તાધારી અવામી લીગના સમર્થકો વચ્ચેની હિંસા ફાટી નીકળી હતી, એમાં ૧૪ પોલીસો સહિત ૭૨ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે.
આરક્ષણના મુદ્દે સ્ટુડન્ટ્સ અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન પ્લૅટફૉર્મ દ્વારા વડાં પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માગણી કરવામાં આવી છે. આ એકસૂત્રી માગણી સાથે પૂર્ણ અસહયોગ આંદોલનની અપીલ કરવામાં આવી છે. આ ઘટનાના પગલે સરકાર દ્વારા દેશભરમાં ગઈ કાલે સાંજે છ વાગ્યાથી અનિશ્ચિતકાળનો કરફ્યુ લગાવી દેવાની જાહેરાત થતાં બંગલાદેશમાં ફરી હિંસાનો દોર શરૂ થયો હતો. સરકારી એજન્સીઓએ દેશમાં વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ જેવાં કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપને બંધ કરવાનો આદેશ આપ્યો છે અને 4G ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
શા માટે હિંસા થઈ રહી છે?
બંગલાદેશમાં આરક્ષણના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં ૨૦૦થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. શનિવારે પ્રદર્શનકારીઓએ રાજધાની ઢાકામાં મુખ્ય રસ્તાઓની ઘેરાબંધી કરી હતી. સ્ટુડન્ટ્સ વિવાદિત આરક્ષણ સિસ્ટમને સમાપ્ત કરવાની માગણી કરી રહ્યા છે. આ આરક્ષણ હેઠળ ૧૯૭૧માં આઝાદીની લડાઈ લડનારા સ્વતંત્રતા સેનાનીઓના પરિવારો માટે ૩૦ ટકા સરકારી નોકરી આરક્ષિત કરવામાં આવી છે. શનિવારે વડાં પ્રધાને વિવિધ યુનિવર્સિટીના ચાન્સેલરો સાથે બેઠક કરી હતી. તેમણે સ્ટુડન્ટ્સ અસોસિએશનને વાતચીત માટે બોલાવ્યા હતા, પણ સ્ટુડન્ટ્સે વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે વડાં પ્રધાનના રાજીનામાની માગણી કરી હતી.
ભારતીય સ્ટુડન્ટ્સને અલર્ટ રહેવાની સૂચના
બંગલાદેશમાં ફરી હિંસાનો દોર શરૂ થતાં બંગલાદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ અને બંગલાદેશમાં રહેતા ભારતીયોને અલર્ટ રહેવાની સૂચના ભારતીય દૂતાવાસ કચેરીએ આપી છે. તેમના માટે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરાયા છે.