૩૫ વર્ષના એક પુરુષે તેની સાથે બોલાચાલી કરનારા પુરુષ પર ૯ એમએમ હૅન્ડગનથી ફાયરિંગ કર્યું, પણ બુલેટે એનું ટાર્ગેટ મિસ કર્યું અને ગોળી માયા પટેલના માથામાં વાગી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
હ્યુસ્ટન (પી.ટી.આઇ.) : અમેરિકાના લુઇસિયાના સ્ટેટમાં ૨૦૨૧માં પાંચ વર્ષની મૂળ ગુજરાતી બાળકીની હત્યાના કેસમાં ૩૫ વર્ષના એક પુરુષને દોષી ગણાવવામાં આવ્યો છે. ૨૦૨૧ની ૨૦ માર્ચે માયા પટેલ શ્રેવેપોર્ટ સિટીમાં તેના મોટેલ રૂમમાં રમી રહી હતી ત્યારે તેના માથામાં એક ગોળી વાગી હતી. તેને હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ ત્રણ દિવસ સુધી સંઘર્ષ કર્યા બાદ તેનું નિધન થયું હતું. ડિસ્ટ્રિક્ટ જજે આ હત્યા બદલ જોસેફ લી સ્મિથને દોષી ગણાવ્યો હતો.
૧૩ જાન્યુઆરીએ સ્મિથની સુનાવણી દરમ્યાન બહાર આવ્યું હતું કે આ ગોળીબારના દિવસે એક મોટેલના પાર્કિંગ લોટમાં સ્મિથની બીજા એક પુરુષની સાથે બોલાચાલી થઈ હતી. આ મોટેલના માલિક એ સમયે વિમલ અને સ્નેહલ પટેલ હતાં. તેઓ માયા અને બીજા એક સંતાનની સાથે મોટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં હતાં.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમેરિકામાં છ વર્ષના સ્ટુડન્ટે ટીચર પર ફાયરિંગ કર્યું
સ્મિથે તેની સાથે બોલાચાલી કરનારા પુરુષ પર ૯ એમએમ હૅન્ડગનથી ફાયરિંગ કર્યું, પરંતુ બુલેટે એનું ટાર્ગેટ મિસ કર્યું અને માયાના માથામાં ગોળી વાગી. સ્મિથને ૪૦ વર્ષની જેલની સજા થઈ શકે છે.