ટેક્નૉલૉજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી માટે એના પર આધાર રાખે છે
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાના સંસદસભ્યોએ એચ૧બી અને એલ૧ વિઝા કાર્યક્રમમાં વધુ પારદર્શકતા લાવવા માટે એમાં સુધારાનો પ્રસ્તાવ અમેરિકાના સંસદમાં રજૂ કર્યો છે. એચ૧બી અને એલ૧ વિઝા અમેરિકાની કંપનીઓને વિદેશી કર્મચારીઓને ટેક્નિકલ કુશળતાની જરૂર હોય એવા વ્યવસાયમાં નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. ટેક્નૉલૉજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી માટે એના પર આધાર રાખે છે. એચ૧બી વિઝા અમેરિકામાં નોકરી કરવા માગતા ધારકોને આપવામાં આવે છે, તો એલ૧ વિઝા એવા લોકોને આપવામાં આવે છે જેઓ પહેલેથી અમેરિકાની કોઈ કંપનીમાં કામ કરતા હોય, પરંતુ બીજા દેશમાં રહેતો હોય છે તે એલ૧ વિઝા દ્વારા અમેરિકામાં આવી શકે છે. ડિક ડર્બિન અને ચક ગ્રાસલી દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. સેનેટર ડિક ડર્બિને કહ્યું કે વર્ષોથી આઉટસોર્સિંગ કંપનીઓ કાયદાની છટકબારીનો લાભ લઈને સારા અમેરિકન કર્મચારીઓને હટાવી તેમને બદલે વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખતી અને તેમને ઓછો પગાર આપીને શોષણ કરતી હતી, એને કારણે દેશની છાપ ખરડાતી હતી. નવો ફેરફાર આવી છટકબારીનો અંત આણશે.
દરમ્યાન ભારતથી અમેરિકા વિઝિટર વિઝા પર જવા માગતા લોકોના વિઝિટર વિઝાના વેઇટ ટાઇમમાં ૬૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમેરિકાએ આ માટે નવા અધિકારીઓની નિમણૂક કરી છે અને અન્ય પગલાં લીધાં હતાં. વિઝા સર્વિસના ડેપ્યુટી અસિસ્ટન્ટ સેક્રેટરી જુલી સ્ટફે કહ્યું કે આ વર્ષે ૧૦ લાખ લોકોને વિઝા આપવાનો લક્ષ્યાંક છે જે પ્રી-પૅન્ડેમિક કરતાં વધુ છે.
ADVERTISEMENT
બૅન્ગકૉકથી પણ ભારતીયો વિઝિટર વિઝા લઈ શકે એવી સુવિધા શરૂ કરવામાં આવી છે.’