સીક્રેટ ડૉક્યુમેન્ટ્સના કેસની સુનાવણી દરમ્યાન અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટે આમ જણાવ્યું
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સંવેદનશીલ મિલિટરી સીક્રેટ્સ ધરાવતા ડૉક્યુમેન્ટ્સને ખોટી રીતે પોતાની પાસે રાખવા અને એને પાછા મેળવવાના સરકારના પ્રયાસોમાં અવરોધ ઊભો કરવાના આરોપોને નકાર્યા હતા અને પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. આ મામલે ટ્રમ્પ પર ૩૭ આરોપો મૂકવામાં આવ્યા છે. ટ્રમ્પ મંગળવારે મિયામીમાં ફેડરલ કોર્ટહાઉસમાં હાજર થયા હતા અને તેમને તેમના પર મૂકવામાં આવેલા આરોપો વિશે જણાવવામાં આવ્યું હતું. ટ્રમ્પના સાથી અને સહ-આરોપી વોલ્ટ નૌટાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા હતા. મૅજિસ્ટ્રેટ જજ જોનાથન ગુડમૅને ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પ આ કેસ વિશે નૌટાની સાથે કમ્યુનિકેશન ન કરે. જજે ફરિયાદપક્ષને સંભવિત સાક્ષીઓનું એક લિસ્ટ તૈયાર કરવા પણ કહ્યું હતું કે જેમની સાથે ટ્રમ્પ આ કેસની વિશે કમ્યુનિકેશન ન કરી શકે. જોકે જજે કોઈ આરોપી પર ટ્રાવેલ નિયંત્રણો મૂક્યાં નથી. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ફાઇનૅન્શિયલ કે સ્પેશ્યલ શરતો વિના ટ્રમ્પ અને નૌટા બન્નેને મુક્ત કરવાની ભલામણ કરી હતી. ફરિયાદપક્ષ ડેવિડ હારબૅકે કહ્યું હતું કે કોઈ પણ આરોપી દેશ છોડીને ભાગી જાય એવી શક્યતા સરકાર જોતી નથી.
અમેરિકામાં કોઈ ભૂતપૂર્વ પ્રેસિડન્ટે ક્રિમિનલ કેસનો સામનો કરવો પડ્યો હોય એમ પહેલી વખત બન્યું છે. ટ્રમ્પની વિરુદ્ધ આ સિવાય પણ અનેક કેસીસ છે. એક્સપર્ટ્સ કહે છે કે ટ્રમ્પને કોઈ પણ કેસમાં દોષી ગણાવાય તો પણ તેઓ પ્રેસિડન્ટની ચૂંટણી લડી શકે છે. આ કેસીસની સુનાવણીમાં ખાસ્સો સમય લાગશે. જે દરમ્યાન ટ્રમ્પ પોતાના માટે પ્રચાર કરી શકશે.

