અમેરિકન F-22 ફાઇટર જેટે અલાસ્કાના આકાશમાં ઊડી રહેલી એક અજાણી વસ્તુને તોડી પાડી, અનુભવી અમેરિકન પાઇલટ્સ અને ઇન્ટેલિજન્સ અધિકારીઓ માટે પણ આ ઊડતી વસ્તુની ઓળખ કરવી મુશ્કેલ હોવાનું જણાય છે
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
વૉશિંગ્ટન (રૉયટર્સ) ઃ સુપરપાવર અમેરિકા ‘ઊડતા જાસૂસો’થી પરેશાન હોય એમ જણાય છે. હવે અમેરિકન F-22 ફાઇટર જેટે શુક્રવારે અલાસ્કાના આકાશમાં ખૂબ જ ઊંચાઈએ ઊડી રહેલી એક અજાણી વસ્તુને તોડી પાડી હતી. અમેરિકા પરથી ઊડી રહેલાં ચાઇનીઝ સ્પાય બલૂનને તોડી પાડવામાં આવ્યાંને એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં આ ઍક્શન લેવામાં આવી છે.
એક દિવસના ઑબ્ઝર્વેશન બાદ પણ આ ઊડતી વસ્તુ કઈ હોઈ શકે એના વિશે અમેરિકન અધિકારીઓએ અંદાજ આપવાની પણ ના પાડી છે, જેનાથી સવાલ થઈ રહ્યા છે કે અનુભવી અમેરિકન પાઇલટ્સ અને ઇન્ટેલિજન્સ અધિકારીઓ માટે પણ ઓળખ કરવી મુશ્કેલ છે, એવી આ ઊડતી વસ્તુ કઈ હોઈ શકે છે.
ADVERTISEMENT
પૅન્ટાગોનના મુખ્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પેટ્રિક રાયડરે કહ્યું હતું કે એક સાઇડવિન્ડર મિસાઇલે આકાશમાં ઊડી રહેલી આ અજાણી વસ્તુને તોડી પાડી હતી. વાઇટ હાઉસના પ્રવક્તા જૉન કિર્બીએ કહ્યું હતું કે ‘આ ઊડતી વસ્તુ કોની માલિકીની હતી એ અમે જાણતા નથી. આ ઊડતી વસ્તુએ ક્યાંથી ઉડાન ભરી હતી એ સ્પષ્ટ નથી.’
અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને આ અજાણી ઊડતી વસ્તુને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ચોથી ફેબ્રુઆરીએ અમેરિકાના અન્ય F-22 ફાઇટર જેટે સાઉથ કૅરોલિનાના કાંઠે ચાઇનીઝ સ્પાય બલૂનને તોડી પાડ્યું હતું.
આ પણ વાંચો: અમેરિકાએ ભૂતકાળમાં ચાઇનીઝ સ્પાય બલૂન્સને યુએફઓ ગણી લીધાં હતાં
પૅન્ટાગોન અને વાઇટ હાઉસે આ લેટેસ્ટ ઊડતી વસ્તુની વિગતો આપવાની ના પાડી હતી. તેમણે માત્ર એટલું જણાવ્યું હતું કે એ તોડી પાડવામાં આવેલા ચાઇનીઝ બલૂન કરતાં ખૂબ નાનું હતું.
પૅન્ટાગોને કહ્યું હતું કે ગ્રાઉન્ડ રડારનો ઉપયોગ કરીને સૌપ્રથમ ગુરુવારે આ ઊડતી વસ્તુને ડિટેક્ટ કરવામાં આવી હતી, જેની તપાસ કરવા માટે F-35 ઍરક્રાફ્ટને મોકલવામાં આવ્યાં હતાં.
રાયડરે કહ્યું હતું કે શુક્રવારે અમેરિકન પાઇલટ્સે આ અજાણી ઊડતી વસ્તુમાં કોઈ માણસ તો નથીને એની ખાતરી કરવા માટે એને તોડી પાડતાં પહેલાં એની પાસેથી પસાર થયા હતા. એ ઍરપ્લેન જેવું બિલકુલ નહોતું લાગતું. એ સિમ્પલ હવામાનની આગાહી કરવા માટેનું બલૂન હતું કે બીજું કોઈ બલૂન, એ કહી ન શકાય.
૪૦,૦૦૦ ફુટની ઊંચાઈએ ઊડતું ‘રહસ્ય’
આ ઊડતી વસ્તુનું કદ એક નાની કાર જેટલું હતું.
આ યુએફઓ પૂર્વોત્તર દિશામાં ૪૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઊડતું હતું, જેનાથી ફ્લાઇટ્સ માટે ખતરો ઊભો થયો હતો.
ફેડરલ એવિયેશન ઍડ્મિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે સંરક્ષણ વિભાગની ઍક્ટિવિટીઝને સપોર્ટ આપવા માટે એણે ઉત્તર અલાસ્કાના કેટલાક ભાગમાં ઍરસ્પેસ બંધ કરી હતી. કૅનૅડાએ પણ આ કોશિશમાં સાથ આપ્યો હતો.