અમેરિકાની પાકિસ્તાનને જોરદાર લપડાક
ADVERTISEMENT
વોશિંગ્ટન : તા, 24 ઓગષ્ટ
કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના વાહિયાત હવાલા આપી દુનિયાભરમાં બુમરાણ મચાવતા પાકિસ્તાનને હવે અમેરિકાએ જ ભીંસમાં લીધું છે. અમેરિકાએ પાક અધિકૃત કાશ્મીર (PoK)માં માનવાધિકારોની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સાથો સાથ અમેરિકાએ કાશ્મીરને લઈને પોતાની વલણ પણ સ્પષ્ટ કર્યું હતું.
અમેરિકાના વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તા માર્ક ટોનરે પોતાની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ત્યાં (પીઓકે)માં માનવાધિકારોની સ્થિતિને લઈને અમે ચિંતિત છીએ. આ બાબતનો ઉલ્લેખ અમે અમારા માનવાધિકારોના અહેવાલોમાં અનેક વર્ષોથી કરતા આવ્યા છીએ.
આતંકવાદી બુરહાન વાણીના એન્કાઉન્ટર બાદ કાશ્મીરમાં શરૂ થયેલી હિંસા યથાવત છે. પાકિસ્તાન અહીં માનવાધિકારોનું મોટા પાયે હનન થઈ રહ્યું હોવાની કાગારોળ મચાવી રહ્યું છે. પાકિસ્તાને એવું પણ જણાવ્યું હતું કે આ મામલે 54 ઈસ્લામિક દેશોનો પણ તેને સાથ છે. બરાબર આ જ સમયે વૈશ્વિક મહાશક્તિ અમેરિકાના એક રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં માનવાધિકારોનો ભંગ થઈ રહ્યો છે.
અમેરિકી વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તા માર્ક ટોનરને PoKમાં માનવાધિકારોની સ્થિતિ બાબતે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે પીઓકેમાં માનવાધિકારોની સ્થિતિને લઈને અમે ઘણા ચિંતિત છીએ. આ બાબતનો ઉલ્લેખ અમે વર્ષોથી અમારા અહેવાલોમાં કરતા આવ્યા છીએ. ટોનરે ઉમેર્યું હતું કે અમે હંમેશાથી પાકિસ્તાનમાં તમામ પક્ષોને અપીલ કરતા આવ્યા છીએ કે તેઓ પોતાના મતભેદો પર શાંતિપૂર્ણ રીતે અને એક કાયદેસરની રાજનૈતિક પ્રકિયાને અંતર્ગત કામ કરે.
પાકિસ્તાનને આઈનો બતાવતા ટોનરે કહ્યું હતું કે જ્યાં સુધી કાશ્મીરની વાત છે, તો તેને લઈને અમારી નીતિ સર્વવિદિત છે.