રશિયન સુખોઈ-૨૭ ફાઇટર જેટે અમેરિકન એમક્યુ-૯ રીપર ડ્રોનને તોડી પાડ્યું હોવાના અમેરિકાના આરોપને રશિયાએ ફગાવી દીધો, સવાલ કરવામાં આવી રહ્યો છે કે આખરે અમેરિકાનું આ ડ્રોન કાળા સમુદ્રમાં શું કરી રહ્યું હતું?
રશિયન સુખોઈ-૨૭ ફાઇટર જેટ અને અમેરિકન એમક્યુ-૯ રીપર ડ્રોન
વૉશિંગ્ટન: રશિયા અને અમેરિકા વચ્ચેના તનાવમાં જબરદસ્ત વધારો થયો છે. રશિયન સુખોઈ-૨૭ ફાઇટર જેટે મંગળવારે અમેરિકન એમક્યુ-૯ રીપર ડ્રોન પર પહેલાં ફ્યુઅલ રેડ્યું અને એ પછી એને ટક્કર મારી, જેને કારણે આ ડ્રોન ક્રૅશ થયું હતું. રશિયાએ અમેરિકાના આ આરોપને ફગાવી દીધો હતો.
અમેરિકન મિલિટરીએ કહ્યું હતું કે અમેરિકન ઍર ફોર્સનું ડ્રોન અને બે રશિયન સુખોઈ-૨૭ ઍરક્રાફ્ટ કાળા સમુદ્ર પર આંતરરાષ્ટ્રીય જળસીમા પર ઊડાન ભરી રહ્યાં હતાં. એ સમયે એક રશિયન જેટે ઇરાદાપૂર્વક માનવરહિત ડ્રૉન પર અનેક વખત ફ્યુઅલ રેડ્યું હતું.
ADVERTISEMENT
એ પછી આ ઍરક્રાફ્ટે ડ્રોનના પ્રોપેલરને ટક્કર મારી હતી, જેને કારણે અમેરિકન ફોર્સિસને એમક્યુ-૯ ડ્રોનને નીચે કાળા સમુદ્રમાં ઉતારવાની ફરજ પડી હતી. પેન્ટાગૉનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પેટ્રિક રાયડરે કહ્યું હતું કે રશિયન ઍરક્રાફ્ટ ૩૦થી ૪૦ મિનિટ સુધી ડ્રોનની આસપાસ જ મંડરાતું રહ્યું હતું.
અમેરિકાના વિદેશ વિભાગે રશિયન ઍમ્બેસેડર ઍન્ટોલી ઍન્ટોનોવને સમન્સ બજાવ્યા હતા. ઍન્ટોનોવે સ્પષ્ટ જણાવ્યું હતું કે ‘હાલના તબક્કે અમે અમેરિકા અને રશિયા વચ્ચે કોઈ ઘર્ષણ ઇચ્છતા નથી.’
આ પણ વાંચો: રશિયાના વિદેશપ્રધાને દિલ્હીમાં અમેરિકાની ઝાટકણી કાઢી
જે કાળા સમુદ્રમાં અમેરિકન ડ્રોનને પાડવામાં આવ્યું છે એની બોર્ડર રશિયા અને યુક્રેન સિવાય ટર્કી, બલ્ગેરિયા, જ્યોર્જિયા અને રોમાનિયાની સાથે પણ જોડાયેલી છે. એવામાં સવાલ કરવામાં આવી રહ્યો છે કે આખરે અમેરિકાનું આ ડ્રોન કાળા સમુદ્રમાં શું કરી રહ્યું હતું? અમેરિકન સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓને પત્રકારો દ્વારા આ વિશે અલગ-અલગ સવાલો કરવામાં આવ્યા હતા; જેમ કે આ ડ્રોન હથિયારોથી સજ્જ હતું, એનું મિશન શું હતું અને કાળા સમુદ્રમાં એને ક્યાં તોડી પાડવામાં આવ્યું હતું? જોકે સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ આ સવાલોના જવાબો આપ્યા નથી.
જોકે ઍર ફોર્સના જનરલ જેમ્સ બી હેકેરે માત્ર એટલું કહ્યું હતું કે ‘અમારું એમક્યુ-૯ ડ્રોન જ્યારે ઇન્ટરનૅશનલ ઍરસ્પેસમાં રૂટીન ઑપરેશન કરી રહ્યું હતું ત્યારે રશિયન ઍરક્રાફ્ટે એને આંતરીને તોડી પાડ્યું હતું.’
રશિયાએ યુક્રેનમાં આક્રમણ શરૂ કર્યું ત્યારથી રશિયન અને અમેરિકન મિલિટરી ઍરક્રાફ્ટ વચ્ચે આ પહેલું સીધું ઘર્ષણ હતું.
રશિયાએ શું કહ્યું?
રશિયાએ ડ્રોનના ક્રૅશમાં એની કોઈ પણ પ્રકારની ભૂમિકા હોવાની વાત ફગાવી છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે એ વાત ફગાવી દીધી છે કે એનું ઍરક્રાફ્ટ માનવરહિત ડ્રોનના સંપર્કમાં આવ્યું હતું. મંત્રાલયે કહ્યું હતું કે ‘ખૂબ જ હાલકડોલક’ થયા બાદ આ ડ્રૉન ક્રૅશ થયું હતું. ક્રિમિયા દ્વીપકલ્પ પાસે આ ડ્રોન ડિટેક્ટ થયું હતું. ૨૦૧૪માં રશિયાએ યુક્રેનના આ ભાગ પર કબજો કર્યો હતો. રશિયન સંરક્ષણ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ‘રશિયન ફાઇટર્સે ઍરક્રાફ્ટમાં રહેલાં હથિયારોનો ઉપયોગ નહોતો કર્યો કે ન તો આ માનવરહિત એરિયલ વેહિકલના સંપર્કમાં આવ્યા હતા. તેઓ ઍરફીલ્ડમાંથી સુરક્ષિત રીતે પાછા ફરી ગયા હતા.’