૨૦૨૨માં પક્ષે બૉરિસ જૉનસન અને લિઝ ટ્રસ જેવા બે વડા પ્રધાનોની હકાલપટ્ટી કરી હતી
રિશી સુનક
લંડન : બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓએ ગઈ કાલે પક્ષ તેમ જ સરકારની ચિંતાઓને દૂર કરવા માટે બે અભિયાન શરૂ કર્યાં છે. નવા વડા પ્રધાન માટે પક્ષને એક રાખવાનો પ્રયાસ એક મોટો પડકાર છે. ૨૦૨૨માં પક્ષે બૉરિસ જૉનસન અને લિઝ ટ્રસ જેવા બે વડા પ્રધાનોની હકાલપટ્ટી કરી હતી અને લેબર પાર્ટીને માત આપીને માત્ર બે આંક સુધી સીમિત કરી દીધી છે. બે મહિના સુધી વડા પ્રધાનપદે રહ્યા બાદ ઑક્ટોબરમાં ટ્રસે રાજીનામું આપતાં રિશી સુનક વડા પ્રધાન બન્યા હતા. ટૅક્સમાં કાપ મૂકવાનો ટ્રસનો નિર્ણય ખોટો સબિત થયો હતો. સુનકે આ યોજનાને ઊલટાવી દીધી અને ટૅક્સ વધાર્યો હતો, પરિણામે બજાર સ્થિર થયું, પરંતુ કેટલાક કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદસભ્યો નારાજ થયા છે.
૪૦ જેટલા સંસદસભ્યોએ નાણાપ્રધાન જેરેમી હટને પત્ર લખીને જણાવ્યું હતું કે નવા બજેટમાં બ્રિટનની જનતા પર બીજા વિશ્વયુદ્ધના અંત બાદ પણ નહોતા લગાવ્યા એટલા ટૅક્સ લગાવવામાં આવ્યા છે. કરદાતાઓએ આપેલો એક પણ પૈસો વેડફાવો ન જોઈએ. તાજેતરમાં જ પોતાની જાતને કન્ઝર્વેટિવ વે ફૉર્વર્ડ ગણાવનારા જૂથે એક રિપોર્ટ બહાર પાડતાં કહ્યું હતું કે અંદાજે ૭ બિલ્યન પાઉન્ડ એટલે કે ૭૦૪ અબજ રૂપિયા વેડફાયા હતા, જેને બચાવી શકાયા હોત. સુનકનાં પહેલાં ૬ સપ્તાહ તો શાંતિથી પસાર થઈ ગયાં છે, પણ સંસદસભ્યો તેમને ઘરનિર્માણ અને વિન્ડ ફાર્મ જેવા પ્રોજેક્ટ પર છૂટછાટ આપવાનું દબાણ કરી રહ્યા છે. વળી ઇલેક્ટ્રિસિટી બિલમાં થયેલો વધારો, કૉસ્ટ ઑફ લિવિંગમાં વધારો અને હડતાળને કારણે હૉસ્પિટલ અને ટ્રાન્સપોર્ટની સર્વિસમાં ક્રિસમસના તહેવારના સમયે જ ગરબડ થઈ રહી છે.