બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે તેમના સત્તાવાર નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, પણ એમાં શરાબ અને માંસ પીરસવામાં આવતાં હિન્દુઓમાં રોષની લાગણી ફેલાઈ છે
બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર
બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે તેમના સત્તાવાર નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, પણ એમાં શરાબ અને માંસ પીરસવામાં આવતાં હિન્દુઓમાં રોષની લાગણી ફેલાઈ છે. ઘણા ગેસ્ટ ડિનરમાં આ ચીજો જોઈને ડઘાઈ ગયા હતા અને તેમણે વિરોધ નોંધાવ્યો હતો. મેનુમાં લૅમ્બનું કબાબ, બિઅર અને વાઇન પીરસવામાં આવ્યાં હતાં. ગયા વર્ષે તત્કાલીન વડા પ્રધાન રિશી સુનકે પણ આવી પાર્ટી રાખી હતી જેમાં હિન્દુઓની લાગણી મુજબ તમામ વેજિટેરિયન ફૂડ હતું અને શરાબ પીરસાયો નહોતો.
વડા પ્રધાન કીર સ્ટાર્મરની દિવાળી પાર્ટીમાં બ્રિટિશ હિન્દુ સમાજના ઘણા મહાનુભાવો આમંત્રિત હતા અને તેઓ આ મેનુ જોઈને ભડકી ગયા હતા.
ADVERTISEMENT
પાર્ટીમાં કુચીપુડી ડાન્સનો પર્ફોર્મન્સ હતો, દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને વડા પ્રધાને નાની સ્પીચ પણ આપી હતી.
જાણીતા હિન્દુ નેતા સતીશ કે. શર્માએ આ બાબતે વડા પ્રધાનની ઑફિસની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે પાર્ટી પહેલાં તેમની ઑફિસે આ બાબતે કોઈ હિન્દુની સલાહ લેવી જરૂરી હતી.
જોકે વડા પ્રધાનની ઑફિસે આ વિરોધના મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી કે માફી માગી નથી.