લંડનમાં હાઈ કોર્ટે ડાયમન્ડ મર્ચન્ટની અરજીને ફગાવી દીધી
નીરવ મોદી
ભાગેડુ ડાયમન્ડ મર્ચન્ટ નીરવ મોદીને ભારતમાં લાવવા માટેનો માર્ગ વધુ મોકળો થયો છે. નીરવ મોદીએ પોતાના માનસિક આરોગ્યનો આધાર જણાવીને પોતાની જાતને ભારતને ન સોંપવાની અપીલ કરી હતી. જેને ગઈ કાલે ફગાવી દેવામાં આવી હતી. લંડનમાં હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે નીરવ મોદી સુસાઇડ કરી લે એ જોખમ એટલું મોટું નથી કે તેને ભારતને સોંપાય એ અન્યાયી કે દમનકારી રહે. ભારતમાં નીરવની વિરુદ્ધ છેતરપિંડી અને મની લૉન્ડરિંગના આરોપો છે.
લૉર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રૉબર્ટ જૅએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે નીરવ મોદી ભારતને સોંપવાની તરફેણમાં ગયા વર્ષે ડિસ્ટ્રિક્ટ જજ સૅમ ગૂઝીની વેસ્ટમિન્સ્ટર મૅજિસ્ટ્રેટ્સની અદાલતનો આદેશ ‘બિલકુલ યોગ્ય’ હતો.
ADVERTISEMENT
હવે સરકારી બૅન્કોના ૧૧ હજાર કરોડથી વધારે રૂપિયા લઈને ભારતથી ભાગી ગયેલા નીરવ મોદીને ટૂંક સમયમાં જ બ્રિટનથી ભારતમાં સોંપવામાં આવે એવી શક્યતા છે. ૫૧ વર્ષના નીરવ મોદીએ પંજાબ નૅશનલ બૅન્કને સંબંધિત છેતરપિંડીના કેસનો સામનો કરવો પડશે.
હવે અપીલ હારી ગયા બાદ નીરવ કદાચ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. જેના માટે હાઈ કોર્ટના ચુકાદાના ૧૪ દિવસમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે. જોકે હાઈ કોર્ટ આ કેસ સામાન્ય લોકો માટે કાયદાની દૃષ્ટિએ મહત્ત્વનો હોવાનું પ્રમાણિત કરે તો જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકાય.
આખરે યુકેમાં અદાલતોના તમામ દરવાજા બંધ થઈ જાય એ પછી આ ડાયમન્ડ મર્ચન્ટ યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સમાંથી કલમ ૩૯ હેઠળ મનાઈહુકમ લઈ આવી શકે છે. એટલા માટે જ તેને ભારતમાં લાવીને મુંબઈની આર્થર રોડ જેલમાં કેદ કરવા માટે હજી સમય લાગશે.
નીરવ મોદીની લીગલ ટીમે હજી સુધી કોઈ કમેન્ટ કરી નથી. દરમ્યાન તે દિક્ષણ-પશ્ચિમ લંડનમાં વૅન્ડ્સવર્થ જેલમાં રહેશે.