બ્રિટનના વડા પ્રધાને ભારતને ગણાવ્યું ફાર્મસી ઑફ વર્લ્ડ
બોરિસ જૉન્સન (ફાઈલ તસવીર)
આગામી ૧૧થી ૧૩ જૂન સુધી બ્રિટનના દરિયાકાંઠાના કોર્નવૉલ પ્રાંતમાં યોજાનારી જી-૭ સમિટ માટે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને ગઈ કાલે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. બ્રિટનના પ્રમુખપદે સાત દેશોની જી-૭ શિખર પરિષદનો કાર્યક્રમ ગઈ કાલે બોરિસ જૉન્સને નિર્ધારિત કર્યો હતો. જૉન્સને ભારતને ફાર્મસી ઑફ વર્લ્ડ ગણાવતા કહ્યું હતું કે ‘વિશ્વમાં બનતી કુલ રસીમાંથી ૫૦ ટકા ભારતમાં બને છે અને પછી એને સમગ્ર વિશ્વમાં મોકલવામાં આવે છે.’ અમેરિકાની સામાન્ય દવાઓની માગની ૪૦ ટકા તો બ્રિટનની ૨૫ ટકા દવાઓ ભારતમાંથી મોકલવામાં આવે છે.
બ્રિટનમાં કોરોના રોગચાળાને કારણે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે આવવાનો કાર્યક્રમ રદ કરવા બાબતે ખેદ વ્યક્ત કરતાં બોરિસ જૉન્સને જી-૭ શિખર પરિષદ પૂર્વે એક વખત ભારત આવવાની બાંયધરીનો પુનરોચ્ચાર કર્યો હતો.

