સાઉથ કોરિયન પ્લેનના ક્રૅશમાં ૧૮૧માંથી જે બે જણ બચી ગયાં તેમને દુર્ઘટના વિશે કંઈ ખબર નથી
મુઆન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર તૂટી પડેલા જેજુ ઍરના વિમાનમાં બચી ગયેલા બેમાંના એક સર્વાઇવર
સાઉથ કોરિયામાં રવિવારે મુઆન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર તૂટી પડેલા જેજુ ઍરના વિમાનમાં બચી ગયેલા બેમાંના એક સર્વાઇવરે ગઈ કાલે ડૉક્ટરોને પૂછ્યું હતું કે શું થયું? શા માટે હું અહીં છું? બન્ને ફ્લાઇટ અટેન્ડન્ટને વિમાનની ટેઇલના ભાગમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.
બચી ગયેલા આ બે જણ છે ૩૨ વર્ષનો લી અને ૨૫ વર્ષની ક્વોન. બચાવ-કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ કાટમાળમાંથી મળ્યા ત્યારે હોશમાં હતાં અને તેઓ ગંભીર રીતે જખમી પણ થયાં નહોતાં.
ADVERTISEMENT
જ્યારે લીને તેની ઈજા વિશે પૂછવામાં આવ્યું તો તેણે ડૉક્ટરોને સામો સવાલ કર્યો હતો કે શું થયું? શા માટે હું અહીં છું?
રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ વિમાન લૅન્ડ થયું પછી શું થયું એની તેને કોઈ જાણ નથી. તેને માત્ર એટલી જ ખબર છે કે લૅન્ડિંગ પહેલાં તેણે સીટ-બેલ્ટ પહેર્યો હતો. આ મુદ્દે હૉસ્પિટલના સત્તાવાળાઓએ કહ્યું હતું કે શૉકના લીધે આમ થઈ શકે છે. એ સમયે તેને વિમાનના પૅસેન્જરોની ચિંતા હશે અને એથી તે એકદમ ડરમાં આવી ગયો હશે.
લીને વિમાનની ટેઇલના ભાગમાં પૅસેન્જરોની લૅન્ડિંગ વખતે મદદ કરવા તહેનાત કરવામાં આવ્યો હતો. તેના ડાબા ખભામાં ફ્રૅક્ચર છે અને માથામાં ઈજા થઈ છે. પરિવારની વિનંતીના પગલે તેને રાજધાની સોલની હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.
ક્વોનને પણ વિમાનની દુર્ઘટના વિશે કંઈ જ યાદ નથી. તેની ખોપડીના ઉપરની ચામડીમાં ઈજા છે અને પગની ઘૂંટીમાં ફ્રૅક્ચર થયું છે. તેના પેટમાં પણ દુખાવો હોવાથી ટેસ્ટ કરવામાં આવી રહી છે. તેના જીવને જોખમ નથી, પણ ડૉક્ટરોને હજી સુધી ક્રૅશ વિશે સવાલ પૂછવાનો સમય નથી મળ્યો.
સાઉથ કોરિયામાં ૧૯૯૭ બાદ થયેલી આ સૌથી ખરાબ વિમાન-દુર્ઘટનામાં ૧૮૧ જણમાંથી માત્ર લી અને ક્વોન બચી ગયાં છે.