આગ બુઝાવી દીધા બાદ પણ એનું તાપમાન એટલું વધારે હતું કે બચાવકર્મીઓ અંદર જલદી જઈ શક્યા નહીં: ત્રણ ટીચર સહિત ગંભીર રીતે દાઝી ગયેલાં સોળ બાળકો પર ઉપચાર શરૂ : મરણાંક વધવાની આશંકા
થાઇલૅન્ડના બૅન્ગકૉક શહેરમાં સ્કૂલ-બસમાં આગ
થાઇલૅન્ડના બૅન્ગકૉક શહેરમાં ગઈ કાલે બપોરે એક સ્કૂલ-બસમાં આગ લાગવાથી હાહાકાર મચી ગયો હતો. આ સ્કૂલ-બસમાં શિક્ષકોની સાથે ૪૪ બાળકો હતાં અને આશરે પચીસ બાળકોનાં મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. આગ બુઝાવી દેવામાં આવ્યા બાદ બચાવકાર્ય હાથ ધરવામાં મુશ્કેલી પડી હતી, કારણ કે બસની અંદરનું તાપમાન વધારે હોવાથી બચાવકર્મીઓ એમાં જઈ શક્યા નહોતા.
દાઝી ગયેલાં ત્રણ ટીચર અને ૧૬ બાળકોને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરાયા હોવાથી મરણાંક વધવાની આશંકા છે.
ADVERTISEMENT
સ્કૂલ-બસમાં સવાર બાળકો મિડલ ઉથાઈ થાની પ્રાંતથી બૅન્ગકૉક શહેરના અયુથયા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં જઈ રહ્યાં હતાં ત્યારે ફહોમ યોથીન રોડ પર સ્થાનિક સમય મુજબ બપોરે ૧૨.૩૦ વાગ્યે એમાં આગ ફાટી નીકળી હતી. એવું જણાઈ રહ્યું છે કે બસનું ટાયર ફાટી ગયા બાદ એમાં આગ લાગી હતી. જોકે આગનું કારણ શોધવા તપાસ થઈ રહી છે.
બસનો ડ્રાઇવર ફરાર છે અને તેને શોધવાની કામગીરી હાથ ધરાઈ છે.