અમેરિકામાં બિઝનેસ અથવા ટૂરિસ્ટ વિઝા બી1 અને બી2 પર જનાર વ્યક્તિ ત્યાં નવી નોકરી માટે અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યુ પણ આપી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
વૉશિંગ્ટન : અમેરિકામાં બિઝનેસ અથવા ટૂરિસ્ટ વિઝા બી1 અને બી2 પર જનાર વ્યક્તિ ત્યાં નવી નોકરી માટે અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યુ પણ આપી શકે છે. યુએસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) દ્વારા જણાવાયુ હતું કે અરજી કરનારાઓએ નવી નોકરી શરૂ કરતાં પહેલાં તેમના વિઝામાં બદલાવ કરવો જરૂરી છે. ઘણી વખત આવા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે ત્યારે તેઓ એના વિકલ્પ વિશે જાણતા નથી અને કેટલાક કિસ્સામાં એવું માની બેસે છે કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી અને ૬૦ દિવસની અંદર તેમણે દેશ છોડવો પડશે. ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ નોકરી સમાપ્ત થાય એ પછીના દિવસથી શરૂ થાય છે. નૉન-ઇમિગ્રન્ટ કર્મચારી નોકરી છોડી દે અથવા તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો ગ્રેસ પિરિયડ સુધી તે અમેરિકામાં રહી શકે છે. એ દરમ્યાન તે નવી નોકરી માટે અરજી કરી શકે છે, પોતાના ઇમિગ્રન્ટ સ્ટેટસમાં ફેરબદલ કરી શકે છે. આ પૈકી કોઈ પણ એક ક્રિયા ૬૦ દિવસના ગ્રેસ પિરિયડની અંદર થાય છે, તો નૉન-ઇમિગ્રન્ટ્સનો સમયગાળો ૬૦ દિવસ વધી શકે છે.