પહેલી વખત આ સ્પેસ એજન્સીને બૅકઅપ કન્ટ્રોલ સિસ્ટમ પર આધાર રાખવો પડ્યો
નાસાની બત્તી ગુલ
હ્યુસ્ટન ઃ અમેરિકાની હ્યુસ્ટન સિટીમાં મંગળવારે નાસાની બિલ્ડિંગની બત્તી ગુલ થઈ ગઈ હતી, જેના લીધે મિશન કન્ટ્રોલ અને ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન વચ્ચેનું કમ્યુનિકેશન ખોરવાઈ ગયું હતું, જેના કારણે પહેલી વખત આ સ્પેસ એજન્સીને બૅકઅપ કન્ટ્રોલ સિસ્ટમ પર આધાર રાખવો પડ્યો હતો.
આ પાવર આઉટેજના કારણે મિશન કન્ટ્રોલે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનની સાથે કમાન્ડ, ટેલિમૅન્ટ્રી અને વૉઇસ કમ્યુનિકેશન ગુમાવ્યું હતું. હ્યુસ્ટનના જૉનસન સ્પેસ સેન્ટરમાં આ બિલ્ડિંગમાં સિસ્ટમમાં સુધારાની કામગીરીના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. આ સમસ્યાના કારણે નાસાએ રશિયાની મદદ લેવી પડી હતી. આ સ્પેસ સ્ટેશન પર ક્રૂને આઉટેજની ૨૦ મિનિટમાં જ રશિયન કમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરીને આ સમસ્યા વિશે જાણ કરવામાં આવી હતી.
સ્પેસ સ્ટેશનના પ્રોગ્રામ મૅનેજર જો મોન્ટેબેનાએ કહ્યું હતું કે ‘આ આઉટેજના કારણે ઍસ્ટ્રોનૉટ્સ કે સ્પેસ સ્ટેશનને કોઈ ખતરો થયો નથી. બૅકઅપ કન્ટ્રોલ સિસ્ટમના કારણે ૯૦ મિનિટ્સમાં જ ફરીથી નૉર્મલ કમ્યુનિકેશન શરૂ થઈ ગયું હતું. એ ફક્ત જમીન પરનો જ પ્રૉબ્લેમ હતો. પહેલી વખત જ નાસાએ કન્ટ્રોલ મેળવવા માટે આ બૅકઅપ સિસ્ટમ્સનો ઉપયોગ કરવો પડ્યો.’
ધરતી પર અમેરિકા અને રશિયા વચ્ચે ખૂબ જ તનાવની સ્થિતિ છે. જોકે આ બન્ને દેશોની સ્પેસ એજન્સી સાથે મળીને કામ કરી રહી છે. જોકે, રશિયાએ જાહેર કર્યું છે કે એ ૨૦૨૪ પછી ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાંથી નીકળી જઈને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે.