પાડોશી દેશનું વિદેશી હૂંડિયામણ આઠ વર્ષના નિમ્ન સ્તરે
પ્રતીકાત્મક તસવીર
ઇસ્લામાબાદ : પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ કથળી છે અને એની સાથે અન્નસંકટ પણ સર્જાયું છે. પાકિસ્તાનના લાહોરમાં ઘઉંના આટાની કટોકટી વણસી છે. માર્કેટમાં સબસિડીવાળા આટાનો સ્ટૉક ઘટી ગયો છે. આ કટોકટી પાછળનું કારણ ફૂડ ડિપાર્ટમેન્ટ અને ફ્લોર મિલ્સ વચ્ચેનું મિસમૅનેજમેન્ટ છે. ૧૫૦ રૂપિયાના ભાવવધારા બાદ ૧૫ કિલો આટાની બૅગ હવે ૨૦૫૦ રૂપિયાની કિંમતે વેચાઈ રહી છે. માત્ર બે અઠવાડિયાંમાં ૧૫ કિલોની આટાની બૅગની કિંમતમાં ૩૦૦ રૂપિયાનો વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં પણ માત્ર બે દિવસમાં આટાની કિંમતમાં ત્રીજી વખત વધારો થયો છે.
આ દેશ નાદારી નોંધાવે એવી આશંકા વચ્ચે પાકિસ્તાન સેન્ટ્રલ બૅન્કનું અનામત વિદેશી હૂંડિયામણ આઠ વર્ષના નિમ્ન સ્તર ૫.૫૭૬ અબજ ડૉલર (૪૬૧.૧૯ અબજ રૂપિયા) પર પહોંચી ગયું છે. પાકિસ્તાન એની ઇકૉનૉમીને મજબૂત કરવા માટે તમામ કોશિશ કરી રહ્યું હોવા છતાં વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થઈ રહ્યો છે.
પાકિસ્તાની ન્યુઝપેપર ‘ધ ડૉન’ના એક રિપોર્ટ અનુસાર ૩૦મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા અઠવાડિયા દરમ્યાન સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાનનું વિદેશી હૂંડિયામણ આઠ વર્ષના નિમ્ન સ્તરે પહોંચી ગયું.
પાકિસ્તાનની ગઠબંધન સરકાર અત્યારે વિદેશી દેવાના ડુંગર હેઠળ દબાયેલી છે. જેને કારણે પાકિસ્તાન નાદારી નોંધાવે એવી પૂરેપૂરી શક્યતા છે. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ પાસેથી વધુ લોન મેળવવા માટે પાકિસ્તાન શક્ય તમામ કોશિશ કરી રહ્યું છે, પરંતુ આવી કોશિશમાં હજી સુધી એને સફળતા મળી નથી.
વિદેશી હૂંડિયામણ ઘટી જવાને કારણે અમેરિકન ડૉલર અને અન્ય કરન્સીની સામે પાકિસ્તાનની કરન્સીનું અવમૂલ્યન પણ ખૂબ થયું છે.