તેમણે આગામી જોખમો વિશે ચેતવણી આપી અને ગૂગલમાંથી રાજીનામાની જાહેરાત કરી
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજીના ગૉડફાધર ગણાતા જેફ્રી હિન્ટન.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સાયન્સ ફિક્શનવાળી સ્ટોરીઝ અને ફિલ્મોમાંથી નીકળીને હવે આપણા જીવનમાં મજબૂત સ્થાન બનાવી રહી છે. બીજી તરફ આ ટેક્નૉલૉજીના ગૉડફાધર ગણાતા જેફ્રી હિન્ટને આગામી જોખમો વિશે ચેતવણી આપી હતી અને લીડિંગ ટેક્નૉલૉજી કંપની ગૂગલમાંથી તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, ૭૫ વર્ષના હિન્ટને આખી જિંદગી તેમણે કરેલાં કામ પર અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનાં જોખમો વિશે ખૂલીને બોલવા માટે તેમણે પોતાની નોકરી છોડી છે.
હિન્ટને ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘હું પોતાને સરળ બહાનાથી સાંત્વન આપું છું કે જો મેં આ કામગીરી ન કરી હોત તો બીજા કોઈએ એમ કર્યું હોત.’
ADVERTISEMENT
એઆઇનાં સંભવિત જોખમો વિશે ચેતવણી આપતાં હિન્ટને આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એ જોવું મુશ્કેલ છે કે તમે ખરાબ લોકોને ખરાબ કામો માટે એનો ઉપયોગ કરતાં કેવી રીતે રોકી શકો છો. જેમ-જેમ કંપનીઓ એઆઇ સિસ્ટમમાં સુધારો લાવે છે, એ એટલા જ ઝડપથી ખતરનાક થઈ રહ્યા છે. જુઓ પાંચ વર્ષ પહેલાં એઆઇ મામલે કેવી સ્થિતિ હતી અને અત્યારે કેવી છે. ફરક સમજો અને એને આગળ વધારો. આ ડરામણું છે.’
ટ્યુરિંગ અવૉર્ડ વિનરે બીબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ એવા તારણ પર આવ્યા છે કે એઆઇ જે રીતે ડેવલપ થઈ રહ્યું છે એ માણસો પાસે રહેલી ઇન્ટેલિજન્સ કરતાં અલગ છે.
હિન્ટને કહ્યું હતું કે ‘આપણે બાયોલૉજિકલ સિસ્ટમ છીએ અને એ ડિજિટલ સિસ્ટમ છે. જ્યારે ઇન્ટેલિજન્સ અને સીક્રેટ માહિતીની વાત આવે છે ત્યારે અત્યારના ચૅટબોટ માણસોની બરોબર નથી, પરંતુ એ ટૂંક સમયમાં બદલાઈ શકે છે. અત્યારે તો હું કહું છું કે તેઓ આપણા કરતાં વધારે ઇન્ટેલિજન્ટ નથી, પરંતુ મને લાગે છે કે તેઓ ટૂંક સમયમાં જ થઈ શકે છે.’
એઆઈના મૂળમાં હિન્ટન અને તેમના સ્ટુડન્ટ્સનું ન્યુરલ નેટવર્ક
જેફ્રી હિન્ટન અને તેમના બે સ્ટુડન્ટ્સ દ્વારા શરૂ કરવામાં આવેલી એક કંપનીના ટેકઓવર બાદ તેઓ ગૂગલમાં સામેલ થઈ ગયા હતા, જેમાંથી એક સ્ટુડન્ટ ઓપન એઆઇમાં મુખ્ય સાયન્ટિસ્ટ બની ગયો. હિન્ટન અને તેમના સ્ટુડન્ટ્સે એક ન્યુરલ નેટવર્ક વિકસિત કર્યું હતું, જે હજારો ફોટોગ્રાફ્સનું ઍનૅલિસિસ કર્યા બાદ કૂતરા, બિલાડી અને ફૂલ જેવી સામાન્ય વસ્તુઓની ઓળખ કરતાં શીખ્યું હતું. આ જ શરૂઆતની કામગીરીને કારણે આખરે ચૅટજીપીટી અને ગૂગલ બાર્ડ ડેવલપ થયું.

