અફઘાનિસ્તાનમાં ભૂકંપપીડિતે આ વાત જણાવી, મૃત્યુ પામનારાઓની સંખ્યા ૨૦૫૩ પર પહોંચી
અફઘાનિસ્તાનમાં શનિવારના પાવરફુલ ભૂકંપ બાદ હેરત પ્રાંતના સરબુલંદ ગામમાં ધ્વસ્ત થયેલાં મકાનોના કાટમાળ પર બેસેલા પુરુષો.
ઇસ્લામાબાદ ઃ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં શનિવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા ૨૦૫૩ લોકોનાં મોત નીપજ્યાં છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબિહુલ્લાહ મુજાહિદે ગઈ કાલે સોશ્યલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું હતું કે ‘૧૩ ગામોમાં ૨૦૫૩ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૧૨૪૦ લોકોને ઈજા થઈ છે. ૧૩૨૦ ઘરો સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયાં છે.’
સરકારના પ્રવક્તા બિલાલ કરીમીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘કમનસીબે પ્રૅક્ટિકલી જાનહાનિ ખૂબ જ વધારે છે. મોતનો છેલ્લો આંકડો કેટલો આવે છે એની અમે રાહ જોઈ રહ્યા છીએ.’
નેક મોહમ્મદ નામના એક નાગરિકે ન્યુઝ એજન્સી એ.એફ.પી.ને જણાવ્યું હતું કે ‘અમે ઘરે આવ્યા અને જોયું કે વાસ્તવમાં કશું જ બચ્યું નથી. બધું જ માટીમાં ભળી ગયું. હવે અમારી પાસે કંઈ જ નથી.’
આ દેશની નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ કહ્યું હતું કે ‘શનિવારે ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને એના પછી પાવરફુલ આંચકા આવ્યા હતા.’
અમેરિકન જિયોલૉજિકલ સર્વેએ જણાવ્યું હતું કે આ ભૂકંપનું એપિસેન્ટર હેરત સિટીથી લગભગ ૪૦ કિલોમીટરના અંતરે હતું. પાવરફુલ ભૂકંપ પછી ૬.૩, ૫.૯ અને ૫.૫ની તીવ્રતાના આફ્ટરશૉક આવ્યા હતા.