નૉર્થ-વેસ્ટ લંડનમાં હેરો વેસ્ટની પાર્લમેન્ટના લેબર અને કો-ઑપરેટિવના સભ્ય ગરેથ થૉમસે આ વાત જણાવી
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
લંડન (એ.એન.આઇ.) : બ્રિટનની સરકારે સાઉથ એશિયાની ભાષાઓ શીખવવામાં રોકાણ કરવાની જરૂર છે એમ જણાવતાં નૉર્થ-વેસ્ટ લંડનમાં હેરો વેસ્ટની પાર્લમેન્ટના લેબર અને કો-ઑપરેટિવના સભ્ય ગરેથ થૉમસે કહ્યું હતું કે આ ભાષાઓ બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવામાં મહત્ત્વની બની રહેશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બ્રિટને સાઉથ એશિયન ભાષાઓ શીખવવા માટે ગંભીરપણે નાણાકીય અને શૈક્ષણિક પીઠબળ આપવાનું શરૂ કરવાની જરૂર છે. ગુજરાતી, ઉર્દૂ અને હિન્દીનું શિક્ષણ બ્રિટનના આર્થિક ભવિષ્ય માટે મહત્ત્વનું હોવા ઉપરાંત બ્રિટનના યુવાનોમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાની તક ઉજ્જ્વળ બનાવવા માટે મહત્ત્વની છે.
બ્રિટન ભારત સાથે વેપાર-જોડાણ મજબૂત કરવા માગતું હોવાથી આપણે સાઉથ એશિયાની ભાષાઓમાં રોકાણ કરવું જ જોઈએ, કેમ કે ભાષાકીય કૌશલ આપણા સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભારતમાં માત્ર વસ્તી અને અર્થતંત્રમાં વૃદ્ધિ નથી નોંધાઈ રહી, પરંતુ મધ્યમ વર્ગ પણ વધી રહ્યો છે જે ભારતને બ્રિટનનું મહત્ત્વનું પાર્ટનર બનાવે છે.
ભારત અને બ્રિટન વચ્ચેના મજબૂત જોડાણની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે આર્થિક અને સાંસ્કૃતિક લાભોને પાત્ર આપણાં મહાન રાષ્ટ્રો માટે સહિયારા ઇતિહાસ અને સમુદાયોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. બન્ને દેશો વચ્ચેના વેપાર-કરાર પર વિશેષ ભાર આપતાં તેમણે વૈશ્વિક સ્તરે વિપરીત આર્થિક પરિસ્થિતિમાં ભારતીય અર્થતંત્રનું સ્થાન ઉજ્જ્વળ હોવાનું સૂચન કર્યું હતું.