અફઘાનિસ્તાનમાં યુવતીઓ પર વૉટર-કૅનનના મારા બાદ એક ગર્લ સ્ટુડન્ટે આમ જણાવ્યું
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
કાબુલ : અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ મહિલાઓ માટે યુનિવર્સિટીનું એજ્યુકેશન મેળવવા પર પ્રતિબંધ મૂક્યો તો મહિલાઓએ એની સામે અવાજ ઉઠાવ્યો. જોકે તાલિબાનનાં સુરક્ષા દળોએ શનિવારે પ્રદર્શન કરનારી મહિલાઓ પર વૉટર-કૅનનનો મારો ચલાવ્યો હતો.
તાલિબાન શાસકોએ યુનિવર્સિટીમાં ભણવા પર ગર્લ સ્ટુડન્ટ્સ પર મંગળવારે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો હતો ત્યારથી અફઘાનિસ્તાનની મહિલાઓ આ પ્રતિબંધની વિરુદ્ધ અનેક જગ્યાએ વિરોધ-પ્રદર્શન કરી રહી છે.
ADVERTISEMENT
હેરાત સિટીમાં શનિવારે યુવતીઓનું એક ગ્રુપ પ્રતિબંધનો વિરોધ કરવા માટે પ્રાંતના રાજ્યપાલના ઘર તરફ જઈ રહ્યું હતું. એ સમયે સુરક્ષા દળોએ તેમના પર વૉટર-કૅનનનો મારો ચલાવીને તેમને પીછેહઠ કરવા માટે ફરજ પાડી હતી.
જેના વિડિયોમાં જોવા મળ્યું હતું કે વૉટર-કૅનનથી બચવા માટે યુવતીઓ નજીકની સ્ટ્રીટમાં છુપાવા જઈ રહી હતી અને ચીસો પાડી રહી હતી. કાબુલમાં મેડિકલ યુનિવર્સિટીમાં નર્સિંગ ડિગ્રી માટેની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરનારી ૧૯ વર્ષની એક સ્ટુડન્ટે કહ્યું હતું કે ‘પ્રાણીઓ કરતાં પણ અમારી સાથે વધારે ખરાબ વર્તાવ થઈ રહ્યો છે. પ્રાણીઓ તેમની મરજીથી ક્યાંય પણ જઈ શકે છે. જોકે, અમને છોકરીઓને અમારા ઘરમાંથી બહાર પગ મૂકવાનો પણ અધિકાર નથી.’
ગર્લ સ્ટુડન્ટ્સ પર આ પ્રતિબંધનો મેલ સ્ટુડન્ટ્સ પણ વિરોધ કરી રહ્યા છે. તેમણે તેમના ક્લાસિસમાંથી વૉકઆઉટ કર્યો હતો. એટલું જ નહીં, એવા પણ રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ૬૦ પ્રોફેસર્સે રાજીનામાં આપી દીધાં છે.