South Korea Plane Crash: જેજુ એર ફ્લાઇટ 2216 થાઇલેન્ડથી પરત ફરી રહી હતી ત્યારે દક્ષિણ જિયોલ્લા પ્રાંતમાં થયો અકસ્માત, દુર્ઘટનાના વીડિયો વાયરલ
તસવીર સૌજન્ય : એપી
આજે સવારે વધુ એક પ્લેન ક્રેશ (Plane Crash)ના સમાચાર આવ્યા છે. દક્ષિણ કોરિયા (South Korea)ના મુઆન એરપોર્ટ (Muan Airport) પર રવિવારે સવારે એક મોટો વિમાન અકસ્માત (South Korea Plane Crash) થયો છે. ક્રૂ મેમ્બર સહિત ૧૮૧ મુસાફરોને લઈને બેંગકોક (Bangkok)થી પરત ફરી રહેલું પ્લેન લેન્ડિંગ વખતે રનવે પર આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ અકસ્માતમાં બે મુસાફરો સિવાય અન્ય તમામ મુસાફરો એટલે કે ૧૭૯ લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે.
સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ, મુઆન એરપોર્ટ પર થયેલા પ્લેન અકસ્માતમાં બે મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનાના વાયરલ વીડિયો (Viral Video)માં જોવા મળી રહ્યું છે કે લેન્ડિંગ પછી પ્લેન રનવે પર આગળ વધતું રહે છે અને પછી આગળ જઈને દિવાલ સાથે અથડાય છે. આ પછી પ્લેનમાં આગ લાગે છે. છેલ્લા પાંચ દિવસમાં આ બીજો વિમાન અકસ્માત છે. ૨૫ ડિસેમ્બરે કઝાકિસ્તાન (Kazakhstan)માં અઝરબૈજાન એરલાઈન્સ (Azerbaijan Airlines)નું વિમાન ક્રેશ થયું હતું.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે, પ્લેનમાં ૧૮૧ લોકો સવાર હતા. જેમાં ૧૮૧ લોકોમાંથી ૧૭૫ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર હતા. આ અકસ્માત દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર થયો હતો. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ઘટના દક્ષિણ જિયોલા પ્રાંતની જેજુ એરની ફ્લાઈટ નંબર ૨૨૧૬ થાઈલેન્ડથી પરત ફરી રહી હતી. આ વિમાન દુર્ઘટનામાં કેટલાક મુસાફરોનો બચાવ થયો હોવાના પણ સમાચાર છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે પક્ષીઓની ટક્કર પણ દુર્ઘટનાનું કારણ હોઈ શકે છે.
દક્ષિણ કોરિયાની ફાયર એજન્સીએ રવિવારે જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશ થયા બાદ અત્યાર સુધીમાં એક ફ્લાઈટ એટેન્ડન્ટ અને એક પેસેન્જરને બચાવી લેવામાં આવ્યા છે. વિમાનમાં ૧૮૧ લોકો સવાર હતા. રાષ્ટ્રીય ફાયર એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હાલમાં, બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં એક મુસાફર અને એક ફ્લાઇટ એટેન્ડન્ટનો સમાવેશ થાય છે. વધુમાં, એજન્સીએ એમ પણ કહ્યું કે, મુઆન એરપોર્ટ પર ૩૨ ફાયર એન્જિન અને ડઝનેક ફાયર ફાઈટરને દુર્ઘટના સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.
ઇમરજન્સી ઓફિસે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, લેન્ડિંગ ગિયરની નિષ્ફળતાને કારણે ક્રેશ થયું હતું. દુર્ઘટના `પક્ષીઓના સંપર્કને કારણે થઈ હોવાનું માનવામાં આવે છે, પરિણામે લેન્ડિંગ ગિયર ફેલ થઈ જાય છે.` કાર્યવાહક પ્રમુખ ચોઈ સાંગ-મોકે મુસાફરોને બચાવવા માટે તમામ સંસાધનો એકત્ર કરવા હાકલ કરી છે. તેમણે એક નિવેદનમાં અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે, ‘તમામ સંબંધિત એજન્સીઓએ કર્મચારીઓને બચાવવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોને એકત્ર કરવા જોઈએ.’
તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયે જ બુધવારે, ૧૧૦ મુસાફરો સાથે કઝાકિસ્તાનથી રશિયા જતું પેસેન્જર પ્લેન અક્તાઉ શહેરમાં એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. આ અકસ્માતને કારણે પ્લેનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ૩૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અઝરબૈજાન એરલાઈન્સ એમ્બ્રેર ERJ-190 નામનું આ વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યામાં ગ્રોઝની જઈ રહ્યું હતું. આ પ્લેનને ગાઢ ધુમ્મસને કારણે તેને અક્ટાઉ તરફ વાળવામાં આવ્યું હતું.