અન્ડરવર્લ્ડ ડૉન અમીર સરફરાઝ અજાણ્યા હુમલાખોરોના અટૅકમાં ઠાર
સરબજિત સિંહ
પાકિસ્તાનની જેલમાં ભારતીય નાગરિક સરબજિતની બેરહમીથી હત્યા કરનારા લાહોરના અન્ડરવર્લ્ડ ડૉન અમીર સરફરાઝની ગઈ કાલે લાહોરમાં જ અજાણ્યા હુમલાખોરોએ ગોળીઓ છોડી હત્યા કરી હતી. પાકિસ્તાનની ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI)ના ઇશારે અમીરે કોટ લખપત જેલમાં બંધ સરબજિતની પૉલિથિનની બૅગથી ગળું દબાવીને ગૂંગળાવી અને પીટાઈ કરીને બેરહમીથી હત્યા કરી હતી. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમીર સરફરાઝ તેની કારમાં જઈ રહ્યો હતો ત્યારે તેના પર હુમલાખોરોએ એક પછી એક એમ અનેક ગોળી ચલાવી હતી જેમાં તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાના ચીફ હાફીઝ સઈદનો નિકટવર્તી માનવામાં આવતો હતો.
પાકિસ્તાનની સરહદ પાસે રહેતો વ્યવસાયે ખેડૂત એવો સરબજિત ૧૯૯૦ની ૩૦ ઑગસ્ટે અજાણતાં જ પંજાબની સીમાથી પાકિસ્તાન પહોંચી ગયો હતો અને પાકિસ્તાની સેનાએ તેને જાસૂસીના કેસમાં પકડી લીધો હતો. ત્યાર બાદ તેને લાહોર અને ફૈઝાબાદમાં થયેલા બૉમ્બધડાકાનો આરોપી બનાવવામાં આવ્યો હતો અને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેને આ કેસમાં ૧૯૯૧માં ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. ૨૦૦૬માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સરબજિતની દયાની અરજી ફગાવી દીધી હતી. જેલમાં કેટલાક કેદીઓએ તેના પર કરેલા હુમલામાં તે ઘાયલ થયો હતો અને પાંચ દિવસ હૉસ્પિટલમાં રહ્યા બાદ ડૉક્ટરોએ તેને બ્રેઇન-ડેડ જાહેર કર્યો હતો. ૨૦૧૩ની બીજી મેએ તેનું મૃત્યુ થયું હતું.