લાવરોવે કહ્યું કે ઇરાક અને અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે એના વિશે શા માટે અમેરિકા તરફથી સવાલો પૂછવામાં આવતા નથી?
નવી દિલ્હીમાં ગઈ કાલે રાઇસીના ડાયલૉગ ૨૦૨૩માં રશિયન વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવ. તસવીર: એ.એન.આઇ.
નવી દિલ્હીઃ રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવે ગઈ કાલે નવી દિલ્હીમાં અમેરિકાની આકરી ઝાટકણી કાઢી હતી. રાયસીના ડાયલૉગમાં તેમણે કહ્યું હતું કે ઇરાક અને અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે એના વિશે શા માટે અમેરિકા તરફથી સવાલો પૂછવામાં આવતા નથી અને અમેરિકા શું કરી રહ્યું છે એનો તેમને પૂરેપૂરો ખ્યાલ છે કે નહીં?
નવી દિલ્હીમાં યોજાઈ રહેલી G20ની મીટિંગમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ સતત ચર્ચાનો વિષય રહ્યું હતું. અપપ્રચાર કરવા અને દુનિયાના તમામ મહત્ત્વના કાર્યક્રમોમાં યુક્રેનમાં રશિયાનાં સ્પેશ્યલ મિલિટરી ઑપરેશન જ કેન્દ્રસ્થાને લાવવા બદલ લાવરોવે અમેરિકાની ઝાટકણી કાઢી હતી. રશિયા મંત્રણાથી દૂર રહે છે એમ કહેવા બદલ રશિયન વિદેશપ્રધાને અમેરિકા અને તમામ પશ્ચિમી દેશોની ટીકા કરી હતી.
ADVERTISEMENT
તેમણે કહ્યું હતું કે ‘દરેક જણ સવાલ કરે છે કે રશિયા મંત્રણા કરવા માટે ક્યારે રેડી થશે? કોઈ પૂછતું નથી કે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી ક્યારે મંત્રણા કરશે? ગયા વર્ષે ઝેલેન્સ્કીએ એક ડૉક્યુમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડૉક્યુમેન્ટ દ્વારા જ્યાં સુધી રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન છે ત્યાં સુધી રશિયાની સાથે મંત્રણા કરવાને અપરાધ ગણાવવામાં આવ્યું હતું.’
લાવરોવે કહ્યું હતું કે ‘સર્બિયા પર જ્યારે બૉમ્બમારો કરવામાં આવ્યો હતો એ અમેરિકા અને નાટો યાદ કરતા નથી. ઇરાકને જ્યારે એક દેશ તરીકે બરબાદ કરવામાં આવ્યો હતો ત્યારે એનાં થોડાં વર્ષ બાદ ટોની બ્લેરે કહ્યું હતું કે એ એક ભૂલ હતી.’