સ્થાનિક લોકોની મદદથી રશિયન આર્મીને મદદ કરનારાઓની ઓળખ કરવામાં આવી અને હવે ઑથોરિટી કહે છે કે તેમને દરેકને સજા કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
ઓડેસામાં રશિયાએ ઈરાનનાં ડ્રૉન્સથી હુમલા કર્યા હતા, જેના કારણે અહીં લગભગ ૧૫ લાખ ઘરમાં બત્તી ગુલ થઈ ગઈ છે.
યુક્રેનના ખેરસન શહેરની પોલીસ અત્યારે દેશદ્રોહીઓની શોધખોળ કરી રહી છે જેમણે રશિયન આર્મીને મદદ કરી હતી. રશિયનોએ થોડાં અઠવાડિયાં પહેલાં જ આ શહેરમાંથી પીછેહઠ કરી હતી. ખેરસનને રશિયન આર્મીથી મુક્ત કરવામાં આવ્યું એ યુક્રેન માટે મોટી જીત અને રશિયા માટે શરમજનક પરાજય છે.
ADVERTISEMENT
ખેરસન ભલે રશિયન આર્મીથી મુક્ત થયું હોય, પરંતુ અહીં સ્થિતિ શાંત નથી. પોલીસે આ શહેરની ફરતે ચેક-પૉઇન્ટ્સ ઊભા કર્યા છે અને સ્ટ્રીટ્સમાં સતત પૅટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ખેરસનમાં ઑફિસર્સ આઇડેન્ટિટી કાર્ડ્સ ચેક કરી રહ્યા છે, નાગરિકોને સવાલ કરી રહ્યા છે અને લોકોની કારને સર્ચ કરી રહ્યા છે. તેમને ડર લાગી રહ્યો છે કે હજી પણ યુક્રેનમાંથી કેટલાક લોકો રશિયન આર્મીને માહિતી પૂરી પાડી રહ્યા છે.
રીજનલ ગવર્નર યરોસ્લેવ યનુશેવ્યચે કહ્યું કે કેટલાક લોકો અહીં આઠ મહિના કરતાં વધુ સમયથી રહ્યા હતા. તેઓ રશિયન આર્મી માટે કામ કરે છે. જોકે હવે અમારી પાસે એ દરેક વિશે માહિતી અને ડૉક્યુમેન્ટ્સ છે. અમારી પોલીસ તેમના વિશે બધી હકીકત જાણે છે. દરેકેદરેકને સજા આપવામાં આવશે.
ખેરસનને મુક્ત કરવામાં આવ્યું એને પગલે નાગરિકોએ રશિયાનો મહિમા ગાતાં બિલબોર્ડ્સ તાત્કાલિક ઉતારીને એની જગ્યાએ ખેરસનમાં યુક્રેનની જીતને વધાવતાં બૅનર્સ મૂક્યાં હતાં. એ સાથે જ કેટલાંક બૅનર્સમાં દેશદ્રોહીઓને શોધવામાં સ્થાનિક લોકો પાસેથી મદદ માગવામાં આવી હતી. રીજનલ ગવર્નરે કહ્યું કે આ કૅમ્પેનથી દેશદ્રોહીઓની ઓળખ કરવામાં અમને મદદ મળી હતી.