રશિયા અને ભારતના લીડર્સે ગઈ કાલે યુદ્ધ તેમ જ વેગનર ગ્રુપના બળવા વિશે ફોન પર વાતચીત કરી
વ્લાદિમિર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી
રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ફોન પર ‘મીનિંગફુલ’ વાતચીત કરી હતી. રશિયન ઍડ્મિનિસ્ટ્રેશને આ વાતચીત વિશે જણાવ્યું હતું કે આ બંને લીડર્સે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના તેમના કમિટમેન્ટ પર ફરીથી ભાર મૂક્યો હતો અને યુક્રેનમાં યુદ્ધ વિશે તેમના અભિપ્રાયો આપ્યા હતા.
નોંધપાત્ર છે કે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની વર્ચ્યુઅલ સમિટના થોડા દિવસ પહેલાં આ બંને લીડર્સની વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. આ સમિટ ચોથી જુલાઈએ યોજાવાની છે.
રશિયન ઍડ્મિનિસ્ટ્રેશનની પ્રેસ સર્વિસે જણાવ્યું હતું કે ‘આ વાતચીત મીનિંગફુલ અને ઉપયોગી રહી હતી. આ બંને લીડર્સે રશિયા અને ભારત વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના તેમના પરસ્પર કમિટમેન્ટ વિશે વધુ એક વખત વાતચીત કરી હતી અને એકબીજા સાથે કમ્યુનિકેશન સતત ચાલુ રાખવા માટે સંમત થયા હતા.’
ADVERTISEMENT
રશિયન પ્રેસિડન્ટ પુતિને મોદીને જાણ કરી હતી કે યુક્રેન વાતચીત દ્વારા આ વિવાદનો ઉકેલ લાવવાના પ્રસ્તાવને સતત ફગાવતું રહ્યું છે. બંને લીડર્સે યુક્રેનની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. રશિયન પ્રેસિડન્ટે સ્પેશ્યલ મિલિટરી ઑપરેશન ઝોનમાં અત્યારની સ્થિતિ વિશે જણાવ્યું હતું.
આ બંને લીડર્સે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનના માળખામાં રશિયા અને ભારત વચ્ચેના સહકાર વિશે પણ ચર્ચા કરી હતી.
રશિયન ઍડ્મિનિસ્ટ્રેશનના સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે ‘શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન અને G20ના માળખામાં રહીને એકબીજાના દેશને સહકાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદીએ પ્રાઇવેટ આર્મી વેગનર ગ્રુપ દ્વારા ગયા અઠવાડિયામાં કરવામાં આવેલા બળવાના સંબંધમાં રશિયન લીડરશિપ દ્વારા લેવામાં આવેલા પગલાને સપોર્ટ આપ્યો હતો.’

