ઘણાં વર્ષોની મહેનત પછી હાલમાં આપણી પાસે એક બ્લડ-ટેસ્ટ છે જેનાથી ઑલ્ઝાઇમર્સ ડિસીઝનું નિદાન શક્ય બન્યું છે. જોકે હજી એ પ્રાથમિક તબક્કામાં છે. એનાથી માત્ર યાદશક્તિ ક્ષીણ કરતા ઑલ્ઝાઇમર્સ ડિસીઝનું નિદાન જ થાય છે.
પ્રતીકાત્મક તસવીર
ઘણાં વર્ષોની મહેનત પછી હાલમાં આપણી પાસે એક બ્લડ-ટેસ્ટ છે જેનાથી ઑલ્ઝાઇમર્સ ડિસીઝનું નિદાન શક્ય બન્યું છે. જોકે હજી એ પ્રાથમિક તબક્કામાં છે. એનાથી માત્ર યાદશક્તિ ક્ષીણ કરતા ઑલ્ઝાઇમર્સ ડિસીઝનું નિદાન જ થાય છે. આ રોગ ક્યારેક ખૂબ ધીમે-ધીમે વધતો હોય છે તો ક્યારેક અચાનક ઝડપથી વધતાં વ્યક્તિ સંપૂર્ણ સ્મૃતિભ્રંશ સુધી પહોંચી જાય છે. અમેરિકાના રિર્સચરોએ ઑલ્ઝાઇમર્સ ડિસીઝ કયા તબક્કામાં છે અને એ ધીમે-ધીમે વધે છે કે ઝડપથી એનું ચોકસાઈભર્યું નિદાન કરી આપે એવી બ્લડ-ટેસ્ટ શોધી છે. આને કારણે દરદીને કઈ દવા સૂટ થશે અને કેટલે અંશે દવાથી સ્મૃતિભ્રંશનાં લક્ષણોને પાછાં ઠેલી શકાશે એનો અંદાજ ન્યુરોલૉજિસ્ટને આવી શકે છે.
અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિન અને સ્વીડનની લ્યુન્ડ યુનિવર્સિટીના રિસર્ચરોએ કરેલો અભ્યાસ નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયો છે. એમાં જણાવાયું છે કે લોહીમાં MTBR-tau243 તરીકે ઓળખાતું એક ખાસ પ્રોટીન છે. આ પ્રોટીન કેટલી માત્રામાં છે જે બ્રેઇનમાં ટૉક્સિન્સનો ભરાવો થયો છે એ માપવાનું પેરામીટર બની શકે છે. આ પ્રોટીનની માત્રા પરથી ખબર પડે કે ઑલ્ઝાઇમર્સનો રોગ શરૂઆતના તબક્કામાં છે કે છેલ્લા તબક્કામાં અને એ ઝડપથી વકરે એવો છે કે ધીમે-ધીમે. અમેરિકામાં ૧૦૮ અને સ્વીડનમાં ૭૩૭ દરદીઓ પર આ ટેસ્ટ કરીને નિષ્ણાતોએ આ બ્લડ-ટેસ્ટનાં પરિમાણ નક્કી કર્યાં છે.

