આ સિરામિક બકરી કિંગ ચાર્લ્સે ધ રૉયલ રેજિમેન્ટ ઑફ વેલ્સના ગૉટ મૅસ્કટથી પ્રેરાઈને બનાવી હશે એવું નિષ્ણાતોનું માનવું છે.
કિંગ ચાર્લ્સે સ્કૂલમાં બનાવેલી માટીની બકરી
બ્રિટનના કિંગ ચાર્લ્સે તેમના સ્કૂલ પ્રોજેક્ટના ભાગરૂપે બનાવેલું એક બકરીનું સ્કલ્પચર લગભગ દસ લાખ રૂપિયામાં વેચાવાનું છે. કિંગ ચાર્લ્સ ૧૯૬૦ના દાયકામાં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે માટીમાંથી બકરી બનાવીને એને પેઇન્ટ કરી હતી. આ સિરામિક બકરી કિંગ ચાર્લ્સે ધ રૉયલ રેજિમેન્ટ ઑફ વેલ્સના ગૉટ મૅસ્કટથી પ્રેરાઈને બનાવી હશે એવું નિષ્ણાતોનું માનવું છે. એ એટલા માટે પણ ખાસ છે કેમ કે કિંગ ચાર્લ્સે પોતાના જીવનમાં બનાવેલું આ એક માત્ર સ્કલ્પચર છે. રસપ્રદ વાત એ છે કે આ શિલ્પ રેમન્ડ પૅટન નામના કૅનેડિયન માણસ પાસે છે જે એની હરાજી કરાવવા જઈ રહ્યો છે.
૧૯૬૯ની ૨૨ જૂને રેમન્ડનો ૨૧મો જન્મદિવસ હતો ત્યારે તેના દાદાની બહેન નેલીએ તેને ગિફ્ટમાં આ સિરામિક ગૉટ આપી હતી. નેલી રૉયલ ફૅમિલીનાં કૂક તરીકે કામ કરતી હતી એ દરમ્યાન તેને કિંગ ચાર્લ્સે બનાવેલું સ્કલ્પચર આપવામાં આવ્યું હતું. રેમન્ડે કહ્યું હતું કે ‘મને લાગે છે કે મારાં ગ્રેટ-આન્ટ કિંગ ચાર્લ્સને પર્સનલી ઓળખતાં હતાં. તેમણે મને સિરામિક ગૉટ આપતાં કહ્યું હતું કે આ પ્રિન્સ ચાર્લ્સે બનાવ્યું છે. મેં આ સિરામિક પીસને અત્યાર સુધી ખૂબ સાચવીને રાખ્યું છે.’