તેમની તસવીરો સોશ્યલ મીડિયામાં જાહેર થતાં ભારે વિવાદ : BJPએ રાહુલ ગાંધીની હરકતો હવે બાલિશ નહીં પણ ખતરનાક અને તોફાની ગણાવી : વિપક્ષી INDI ગઠબંધનના નેતાઓને ટિપ્પણી કરવા માગણી કરી
રાહુલ ગાંધીએ ભારતવિરોધી ઇલ્હાન ઉમર સહિતના અમેરિકન સંસદસભ્યો સાથે મીટિંગ કરી હતી
ભારત માટે દ્વેષ ધરાવતી, અલગ ખાલિસ્તાન અને અલગ કાશ્મીર દેશની હિમાયતી, જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ની નાબૂદીના વિરોધમાં ઊભી રહેનારી અને પાકિસ્તાન સરકાર દ્વારા સ્પૉન્સર્ડ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની ૨૦૨૨માં મુલાકાત લેનારી અમેરિકાની સંસદસભ્ય ઇલ્હાન ઉમર સાથેની કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની તસવીર પ્રકાશિત થતાંની સાથે જ ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી અને અમેરિકા જઈને દેશવિરોધી લોકોને મળવાનો આરોપ લગાવ્યો હતો.
ચાર દિવસની અમેરિકાની મુલાકાતમાં રાહુલ ગાંધીએ આ પહેલાં જ સિખવિરોધી નિવેદનો આપતાં હોબાળો મચ્યો છે, એમાં વૉશિંગ્ટનમાં આ મહિલાને મળ્યા હતા અને તેની સાથેની તસવીર જાહેર થયા બાદ વિવાદ વધ્યો છે. BJPએ જણાવ્યું હતું કે આવા લોકોને મળીને રાહુલ ગાંધી ખતરનાક અને તોફાની પ્રવૃત્તિ આચરી રહ્યા છે.
ADVERTISEMENT
આ મુદ્દે BJPના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ એક પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘આ પહેલી વાર બન્યું છે કે વિપક્ષના નેતા વિદેશમાં જઈને ભારતવિરોધી જાહેર કરવામાં આવેલા નેતાને મળ્યા છે અને પોતાની મીઠી લાગણીઓ વ્યક્ત કરી છે. ઇલ્હાન ઉમરે અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં છે, તે પ્રત્યક્ષ કે આડકતરી રીતે મુસ્લિમ બ્રધરહૂડ અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સહાનુભૂતિ દર્શાવે છે. તેણે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની મુલાકાત લીધી હતી જેનો ખર્ચ પાકિસ્તાન સરકારે ઉપાડ્યો હતો. તે ઇમરાન ખાનને મળી હતી. પહેલાં રાહુલ ગાંધીની હરકતો બાલિશ રહેતી હતી, પણ હવે તેઓ ખતરનાક અને તોફાની હરકતો કરી રહ્યા છે. એક કહેવત છે કે કિંગ જેમ્સ-વન ખ્રિસ્તી જગતનો સૌથી બુદ્ધિશાળી મૂર્ખ હતો. મારા મતે આ જ વાત રાહુલ ગાંધીને કૉન્ગ્રેસડમ માટે લાગુ પડે છે.’
જ્યાં સુધી BJP છે ત્યાં સુધી અનામત નહીં હટે : અમિત શાહ
અમેરિકાની મુલાકાતમાં રાહુલ ગાંધીએ જ્યૉર્જટાઉન યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ સાથેની વાતચીતમાં ભારતમાં યોગ્ય સમય આવ્યે અનામત હટાવવાની વાત કરી હતી, એ મુદ્દે ભારતમાં ભારે હોબાળો થયો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘જ્યાં સુધી BJP છે ત્યાં સુધી અનામતને કોઈ હાથ લગાવી નહીં શકે. દેશને વિભાજિત કરવાનું કાવતરું કરનારી શક્તિઓ સાથે ઊભા રહેવું અને રાષ્ટ્રવિરોધી નિવેદનો કરવાં એ રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસ પાર્ટીની આદત બની ગઈ છે. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી અને અનામતવિરોધી એજન્ડાને ટેકો આપે છે. વિદેશીની ધરતી પર ભારતવિરોધી નિવેદન આપે છે. તેમણે હંમેશાં રાષ્ટ્રની સુરક્ષા અને ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ધમકી આપી છે. રાહુલ ગાંધીનાં નિવેદનો પ્રાદેશિકતા અને ભાષાકીય મતભેદોના આધારે તિરાડ ઊભી કરવાની કૉન્ગ્રેસની નીતિને ઉજાગર કરે છે. દેશમાં અનામત નાબૂદ કરવાની વાત કરીને રાહુલ ગાંધીએ ફરી એક વાર કૉન્ગ્રેસનો અનામતવિરોધી ચહેરો દુનિયા સમક્ષ લાવી દીધો છે. મનમાં જે વિચાર હતા એ શબ્દોરૂપે બહાર આવી ગયા છે. હું રાહુલ ગાંધીને કહેવા માગું છું કે જ્યાં સુધી BJP છે ત્યાં સુધી ન તો કોઈ અનામત રદ કરી શકે છે કે ન તો દેશની સુરક્ષા સાથે ગરબડ કરી શકે છે.’
કૉન્ગ્રેસ ઐતિહાસિક રીતે અનામતવિરોધી : માયાવતીએ પણ નોંધાવ્યો વિરોધ
બહુજન સમાજ પાર્ટી (BSP)નાં પ્રમુખ માયાવતીએ પણ રાહુલ ગાંધીના અનામત મુદ્દેના નિવેદનનો વિરોધ કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ ઐતિહાસિક રીતે અનામતવિરોધી વલણ ધરાવે છે, એ અનામત નાબૂદ કરવાનું કાવતરું કરી રહી છે અને એનાથી સાવધાન રહેવાની જરૂર છે. અગાઉની કૉન્ગ્રેસની સરકારોએ અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ની અનામતનો અમલ કર્યો નહોતો. કૉન્ગ્રેસ જાતિઆધારિત ગણતરી કરવામાં પણ નિષ્ફળ ગઈ છે. તેઓ ભવિષ્યમાં પણ આવી ગણતરી કરાવશે નહીં. કૉન્ગ્રેસ સત્તામાં આવશે તો અનામત રદ કરાવશે એટલે આ સમાજે સાવધ રહેવાની જરૂર છે. બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરે અનામત ક્વોટાનો સંપૂર્ણ અમલ કરવામાં કૉન્ગ્રેસની નિષ્ફળતાને કારણે કાયદાપ્રધાન તરીકે રાજીનામું આપી દીધું હતું. જ્યાં સુધી દેશમાંથી જાતિવાદ નાબૂદ નહીં થાય ત્યાં સુધી સામાજિક અને આર્થિક સ્તર સુનિશ્ચિત કરવા અનામત ચાલુ રાખવું જોઈએ.
INDIA અલાયન્સનું ફુલ ફૉર્મ પૂછવામાં આવતાં બરાબરના ફસાયા રાહુલ ગાંધી : કહ્યું A ફૉર અલાયન્સ
રાહુલ ગાંધીની અમેરિકાયાત્રાનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં તેઓ INDI અલાયન્સ અને INDIA અલાયન્સના મુદ્દે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં ચક્કર ખાઈ ગયા હતા અને તેમની સામે બેસેલા ઍન્કર પણ હસવા લાગ્યા હતા. જ્યૉર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીને સવાલ કરવામાં આવ્યો કે વિપક્ષોના ગઠબંધનને INDI અલાયન્સ કહેવામાં આવે છે. ત્યારે રાહુલ ગાંધીએ એને કરેક્ટ કરતાં કહ્યું હતું કે BJPના લોકો એને INDI અલાયન્સ કહે છે, પણ હકીકતમાં એ INDIA અલાયન્સ છે. એ સમયે રાહુલ ગાંધીને વળતું પૂછવામાં આવ્યું કે INDIAમાં તો ડબલ A નથી તો પછી INDIA અલાયન્સ શા માટે કહેવામાં આવે છે, વધારાના Aનો શું અર્થ છે? એના જવાબમાં રાહુલ ગાંધીએ થોડો સમય લઈને અચકાતાં કહ્યું કે Aનો અર્થ અલાયન્સ થાય છે.
સોનિયા ગાંધીના ઘરની બહાર સિખ સમુદાયનો દેખાવ
રાહુલ ગાંધીએ અમેરિકામાં સિખવિરોધી નિવેદન કરતાં BJPસમર્થિત સિખ લોકો ગઈ કાલે કૉન્ગ્રેસનાં નેતા સોનિયા ગાંધીના ઘરની સામે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ગ્રુપે માગણી કરી હતી કે આ નિવેદન માટે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ.