ચીનના લોકો ડરના માર્યા કોરા કાગળને વિરોધનું હથિયાર બનાવી રહ્યા છે, ઝીરો કોવિડ પૉલિસી વિરુદ્ધ લોકો ‘પદ છોડો જિનપિંગ, અમને આઝાદી જોઈએ છે’ના નારા સાથે રસ્તા પર ઊતર્યા
હાથમાં કોરા કાગળ પકડીને વિરોધ કરી રહેલા આ ગ્રુપનો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
શાંઘાઈઃ ચીનમાં ઝીરો કોવિડ પૉલિસીની વિરુદ્ધ આક્રોશ વધ્યો છે ત્યારે ગઈ કાલે શાંઘાઈ સહિત સમગ્ર ચીનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નાગરિકો ચીનના પશ્ચિમમાં વિકરાળ આગને લીધે રોષે ભરાયા હતા. મહામારીનાં ત્રણ વર્ષ પછી પણ ચીનનાં અનેક શહેરોના લાખો લોકો પર કોરોનાને ફેલાતો રોકવા માટેનાં આકરાં નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. હવે સમગ્ર ચીનમાં ‘પદ છોડો જિનપિંગ, અમને આઝાદી જોઈએ છે’ના નારા લાગી રહ્યા છે. ચીનના લોકોનો આક્રોશ સોશ્યલ મીડિયાથી સ્ટ્રીટ્સ અને ટોચની યુનિવર્સિટીઓ સુધી ફેલાયો છે ત્યારે પ્રદર્શનકર્તાઓ તેમનો આક્રોશ વ્યક્ત કરવા માટે કોરા કાગળનો સહારો લઈ રહ્યા છે.
ઑનલાઇન સર્ક્યુલેટ થઈ રહેલી ઇમેજિસ અને વિડિયોઝમાં બીજિંગ અને નનજિંગ સહિતનાં શહેરોમાં યુનિવર્સિટીઓમાં મૂક-વિરોધ વ્યક્ત કરતા સ્ટુડન્ટ્સના હાથમાં કોરા કાગળ જોવા મળ્યા હતા. સેન્સરશિપ કે ધરપકડથી બચવા માટે ડરના માર્યા વિરોધનો આ માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. શાંઘાઈની યુનિવર્સિટીઓમાં પણ શી જિનપિંગ રાજીનામું આપો, કમ્યુનિસ્ટ પાર્ટી સત્તા છોડોના નારા લાગ્યા હતા.
ADVERTISEMENT
માત્ર શાંઘાઈમાં નહીં, પણ ચીનની અનેક યુનિવર્સિટીઓ અને શહેરોમાં શનિવારથી વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ હતી, જે ગઈ કાલે સવાર સુધી ચાલ્યું હતું. જેના અનેક વિડિયોઝ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.
ચીનના શાંઘાઈમાં શનિવારે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો.
ચાઇનીઝ સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહેલા વિડિયોઝમાં જોવા મળ્યું હતું કે શાંઘાઈમાં શનિવારે મોટી સંખ્યામાં લોકો શિનજિયાંગમાં આગમાં મૃત્યુ પામનારાઓને અંજલિ આપવા માટે એકત્ર થયા હતા.
શિનજિયાંગ પ્રદેશની રાજધાની ઉરુમકીની એક હાઈ-રાઇઝ બિલ્ડિંગમાં ગુરુવારે આગ લાગતાં દસ જણનાં મોત નીપજ્યાં હતાં. જેને લીધે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો, કેમ કે અનેક ઇન્ટરનેટ યુઝર્સનો અંદાજ છે કે આ બિલ્ડિંગનો અમુક ભાગ લૉકડાઉન હેઠળ હોવાને કારણે આ બિલ્ડિંગના લોકો સમયસર એમાંથી નીકળી નહોતા શક્યા.
ચીનના ફાઇનૅન્શિયલ હબ શાંઘાઈમાં વુલુમુકી રોડ પર શનિવારે રાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. બાદમાં ગઈ કાલે સવારે વિરોધ પ્રદર્શન થયું હતું. ચાઇનીઝ સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ થતી ઇમેજિસમાં લોકો તેમના હાથમાં રહેલા કોરા કાગળ બતાવીને હટકે વિરોધ કરતા જોવા મળ્યા હતા.
ચીનમાં કોરોનાના લગભગ ૪૦,૦૦૦ કેસ નોંધાયા
ચીનમાં શનિવારે કોરોનાના નવા ૩૯,૭૯૧ કેસ નોંધાયા હતા. નૅશનલ હેલ્થ કમિશને ગઈ કાલે જણાવ્યું હતું કે એમાંથી ૩૭૦૯ કેસમાં લક્ષણો જોવાં મળ્યાં હતાં, જ્યારે ૩૬,૦૮૨ કેસમાં કોઈ લક્ષણો જોવાં નહોતાં મળ્યાં. જેના એક દિવસ પહેલાં એટલે કે શુક્રવારે ૩૫,૧૮૩ કેસ નોંધાયા હતા.