ફ્રાન્સના ઇમૅન્યુઅલ મૅક્રૉન, બ્રિટનના રિશી સુનક અને યુક્રેનના વૉલોદિમીર ઝેલેન્સ્કી સાથે મોદીની દ્વિપક્ષી ચર્ચા
ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની સાથે, ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉન સાથે
ઇટલીમાં આયોજિત G7 શિખર સંમેલનમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉન, બ્રિટનના વડા પ્રધાન રિશી સુનક અને યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેન્સ્કીની મુલાકાત લીધી હતી અને વર્લ્ડ લીડર્સ સાથે અલગ-અલગ વાતચીત કરી હતી.
નરેન્દ્ર મોદી અને મૅક્રૉન વચ્ચે થયેલી મુલાકાત વિશે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે સ્થિર અને સમૃદ્ધ વૈશ્વિક વ્યવસ્થા માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે મજબૂત અને ભરોસાપાત્ર સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ મહત્ત્વની છે. વાતચીત વખતે બેઉ નેતાઓએ ‘મેક ઇન ઇન્ડિયા’ પર વધારે ધ્યાન આપવાની સાથે સ્ટ્રૅટેજિક સંરક્ષણ સહયોગને વધારવા પર સહમતી સાધી હતી. યુક્રેન અને ભારત વચ્ચે દ્વિપક્ષી સંબંધો વધારે મજબૂત બનાવવા મોદી-ઝેલેન્સ્કી વચ્ચે ચર્ચા થઈ હતી. મોદીએ રિશી સુનક સાથે કરેલી ચર્ચામાં સંરક્ષણ ક્ષેત્રમાં ઔદ્યોગિક સહયોગ વધારવા અને વેપાર તથા વાણિજ્યને વધારવા પર વાતચીત થઈ હતી.