૭.૭ની તીવ્રતાનો ભૂકંપ : બૅન્ગકૉકમાં ૩૦ માળની ઇમારત અને મ્યાનમારમાં ૧૨૦ વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી : થાઇલૅન્ડમાં ઇમર્જન્સી જાહેર : ભારત સહિત છ દેશની ધરા ધણધણી ઊઠી
મ્યાનમાર
મ્યાનમાર અને થાઇલૅન્ડમાં શુક્રવારે ૨૮ માર્ચે ભૂકંપના શક્તિશાળી આંચકા આવતાં ભારે તબાહી સર્જાઈ. આ ભૂકંપમાં ઇમારતો, પુલ અને બ્રિજને મોટા પાયે નુકસાન થયું છે. બે સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં ચોતરફ તબાહીનાં દૃશ્યો સર્જાયાં. રિક્ટર સ્કેલ પર ૭.૭ની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મૅન્ડલેની નજીક હતું. બપોરે ૧૨ વાગ્યે આવેલા આંચકાની થોડી ક્ષણો બાદ ૬.૪ની તીવ્રતાનો મોટો ભૂકંપ પણ આવ્યો હતો. આમ મ્યાનમારમાં કુલ છ નાના-મોટા ભૂકંપ આવ્યા હતા જેણે મ્યાનમાર અને થાઇલૅન્ડમાં તબાહી સર્જી દીધી હતી. શુક્રવારે રાત સુધીમાં મૃત્યુઆંક ૧૫૦ સુધી પહોંચ્યો હતો, જ્યારે ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે હજી સુધી જાનહાનિના સચોટ આંકડા પ્રાપ્ત થયા નથી.
ADVERTISEMENT
બૅન્ગકૉકમાં બિલ્ડિંગની ટેરેસ પરના સ્વિમિંગ પૂલમાંથી છલકાતું પાણી.
મ્યાનમારમાં આવેલા જોરદાર ભૂંકપને લઈને ભારત, લાઓસ, થાઇલેન્ડ, બંગલાદેશ અને ચીનની ધરા પણ ધણધણી ઊઠી હતી. ભૂકંપને કારણે મ્યાનમારમાં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને મેટ્રો અને રેલવે સેવાઓ પણ બંધ કરવી પડી હતી. થાઇલૅન્ડના સ્ટૉક એક્સચેન્જમાં પણ ટ્રેડિંગ બંધ થઈ ગયું હતું. ૬ દેશના વિવિધ વિસ્તારોમાં ભૂકંપની અસરથી ગભરાટમાં સેંકડો લોકો પોતાનાં ઘરો અને ઑફિસોમાંથી બહાર દોડી ગયા હતા. આ વિસ્તાર ભૂકંપીય ઝોન-પાંચમાં આવે છે અને આગામી ૪૮ કલાક સુધી આંચકા આવી શકે છે એવી આગાહી કરાઈ હતી. બીજી તરફ ભારે વિનાશને કારણે થાઇલૅન્ડમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.
બૅન્ગકૉકમાં તૂટી પડેલું બિલ્ડિંગ.
થાઇલૅન્ડમાં ઇમર્જન્સી જાહેર
થાઇલૅન્ડમાં ઍરપોર્ટ પર લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. તમામ ફ્લાઇટ્સ પણ કૅન્સલ થઈ હતી. થાઇલૅન્ડના વડા પ્રધાને ભૂકંપ બાદ બૅન્ગકૉકમાં ઇમર્જન્સી લાદી હતી. થાઇલૅન્ડ અને મ્યાનમારમાં અફરાતફરીનો માહોલ સર્જાયેલો છે. સાતથી વધુ તીવ્રતાના આવેલા ભૂકંપે થાઇલૅન્ડ, બૅન્ગકૉક અને મ્યાનમારમાં કાળો કેર વર્તાવ્યો છે. આ તબાહીના સંદર્ભે થાઇલૅન્ડે ઇમર્જન્સી લાદી દીધી છે. થાઇલૅન્ડ બાદ મ્યાનમારે પણ ઇમર્જન્સી લાદવી પડી છે. મ્યાનમારની જુન્ટા સરકારે ઇમર્જન્સી જાહેર કરીને આંતરરાષ્ટ્રીય મદદની ગુહાર લગાવી છે.
૩૦ માળની ઇમારત ધરાશાયી
થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકમાં એક નિર્માણાધીન ૩૦ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. આ સાઇટ પર ૪૦૦ લોકો કામ કરી રહ્યા હતા. એમાંથી ૮૦ લોકો ગુમ છે, જ્યારે ત્રણ લોકોનાં મોત થયાં હતાં. ઇમારત ધરાશાયી થયા પછી રાહત-કાર્યકરો સ્થળ પરથી કામદારોને બચાવતા જોવા મળ્યા હતા, જ્યારે ભૂકંપથી મ્યાનમારની રાજધાની નેપીદામાં મંદિરો-ઘર ધરાશાયી થયાં હતાં.
૧૨૦ વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી
ભૂકંપનો આંચકો એટલો ભયાનક હતો કે મ્યાનમારની ઇરાવદી નદી પર બનેલો ૧૨૦ વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થયો હતો. આ બ્રિજ પરિવહન અને પર્યટન માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતો.
મસ્જિદ ધરાશાયી, વીસનાં મોત
શુક્રવારે ૨૮ માર્ચે મ્યાનમારમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે મ્યાનમારમાં મસ્જિદમાં ૨૦ લોકોનાં મોત થયાં હતાં. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભૂકંપના તીવ્ર આંચકાને કારણે મ્યાનમારના મૅન્ડલેમાં એક મસ્જિદ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે મસ્જિદની અંદર ઘણા લોકો હાજર હતા.
ભારતનાં અનેક રાજ્યોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
આ ભૂકંપ એટલો જોરદાર હતો કે ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમ જ ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં એના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં પણ અનેક લોકોએ ધ્રુજારી અનુભવી હતી. મળતી માહિતી મુજબ મ્યાનમારના ભૂકંપની અસર ભારતમાં દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પણ થઈ હતી. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્ય આસામ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડમાં ભૂકંપના તેજ આંચકા નોંધાયા હતા.
નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી
નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલૅન્ડમાં ભૂકંપ બાદની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે ‘મ્યાનમાર અને થાઇલૅન્ડમાં ભૂકંપ બાદની સ્થિતિ પર ચિંતિત છું. તમામ પ્રકારની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છું. ભારત સંભવિત તમામ સહાય કરવા માટે તત્પર છીએ. અમે આ સંદર્ભે પ્રશાસનને સતર્ક રહેવા આદેશ આપ્યા છે. વિદેશ મંત્રાલય પણ મ્યાનમાર અને થાઇલૅન્ડની સરકારના સંપર્કમાં છે. તમામ સુરક્ષિત રહે એવી કામના કરી છે.’
ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર થઈ
બૅન્ગકૉક અને થાઇલૅન્ડના અન્ય વિસ્તારોમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ ભારતીય દૂતાવાસ સતત થાઈ સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. દૂતાવાસે જણાવ્યું હતું કે ‘અત્યાર સુધી કોઈ પણ ભારતીય નાગરિક સાથે કોઈ અનિચ્છનીય ઘટનાના સમાચાર મળ્યા નથી, જે રાહતની વાત છે.’
થાઇલૅન્ડમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકોને કોઈ પણ કટોકટીના સંજોગોમાં તાત્કાલિક સહાયતા માટે એક ઇમર્જન્સી નંબર જાહેર કર્યો. દૂતાવાસે સલાહ આપી હતી કે જરૂર પડે તો ભારતીય નાગરિકો +66 618819218 પર સંપર્ક કરી શકે છે.

