ચૅટજીપીટી લૉન્ચ થયાના પાંચ દિવસમાં જ ૧૦ લાખ યુઝરોના આંકને વટાવી ગઈ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
સૅન ફ્રાન્સિસ્કો : જે પ્રમાણે ચૅટજીપીટી નામની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ (એઆઇ) ઍપ લોકપ્રિય થતાં ટેક્નૉલૉજી ક્ષેત્રે મોટી ક્રાન્તિ થશે એવું તમામને લાગી રહ્યું છે. આગામી દિવસમાં એઆઇ લોકોને રોજબરોજના જીવનમાં આગામી દાયકામાં મોટો ભાગ ભજવશે. નવેમ્બરમાં સ્ટાર્ટ-અપ ઓપનએઆઇ દ્વારા લૉન્ચ કરવામાં આવેલી આ ઍપે લોકોની અને રોકાણકારોની ધારણામાં મોટો ફરક પાડ્યો છે.
કૅલિફૉર્નિયામાં આવેલા ખોસલા વેન્ચર્સના શેરનાઝ દાવરે કહ્યું હતું કે ઘણી વખત એક નવું પ્લૅટફૉર્મ આવે છે અને એને પરિણામે અનેક નવી કંપનીઓ જન્મે છે. અમે આ વાત ઇન્ટરનેટ અને મોબાઇલમાં જોઈ. આવું જ કંઈક એઆઇમાં પણ બની શકે છે.
ADVERTISEMENT
ચૅટજીપીટી માત્ર એક વિનંતીથી એક સેકન્ડમાં હજારો ફોટાઓ, કવિતાઓ અને નિબંધોને ફંફોળી કાઢે છે. આ ઍપ સૌથી ઝડપથી વિકસતી ઍપ બની છે. જેણે માઇક્રોસૉફ્ટ અને ગૂગલને પણ આવા જ પ્રોજેક્ટ બહાર પાડવા માટે દબાણ કર્યું છે. તેઓ એવું માનતા હતા કે લોકો આવી ટેક્નૉલૉજી માટે તૈયાર નથી. ચૅટજીપીટી લૉન્ચ થયાના પાંચ દિવસમાં જ ૧૦ લાખ યુઝરોના આંકને વટાવી ગઈ. ફેસબુકને આ આંક વટાવવામાં જેટલો સમય લાગ્યો હતો એના કરતાં ૬૦ ગણી વધુ ઝડપે આ થયું હતું.
એવું માનવામાં આવે છે કે ચૅટજીપીટીને કારણે સંઘર્ષ કરી રહેલી ટેક સેક્ટરની મોટી કંપનીઓથી માંડીને નાની કંપનીઓ પણ ઘણા કર્મચારીઓની છટણી કરશે. માઇક્રોસૉફ્ટ દ્વારા ચૅટજીપીટીનું મૂલ્ય ૩૦ બિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૨૪૮૪ અબજ રૂપિયાનુ આંકવામાં આવ્યું છે. ચૅટજીપીટી જેવી માહિતી પૂરી પાડતી ઍપની માગણીઓ વધવાની છે. અન્ય કંપનીઓ કર્મચારીઓને છટણી કરી રહી છે ત્યારે ચૅટજીપીટી જેવી એઆઇ કંપનીઓ પોતાનો સ્ટાફ વધારી રહી છે. ચૅટજીપીટીમાં રોકાણ કરવા માટે કંપનીઓ દોડી રહી છે. આ ઍપ એક સોનાની ખાણ સમાન છે. એઆઇ મોબાઇલ અથવા ક્લાઉડ કરતાં પણ વિશાળ છે. જેને ઔદ્યોગિક ક્રાન્તિ સાથે સરખાવી શકાય.