ઇમરાન ખાનના ઘરે પોલીસ બુલડોઝર લઈને પહોંચી ને મેઇન ગેટ તોડી નાખ્યો : ઘરમાંથી એકે-૪૭ રાઇફલ, પેટ્રોલથી ભરેલી કાચની બૉટલ્સ અને લોખંડના સળિયા મળ્યા
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ગઈ કાલે પોલીસ સાથેની અથડામણ દરમ્યાન ઇમરાન ખાનના સપોર્ટર્સને વિખેરવા માટે ટિયર ગૅસ ફાયર કરી રહેલો પોલીસ ઑફિસર.
પાકિસ્તાનની પોલીસે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પાસેથી પ્રેરણા મેળવી હોય એમ લાગી રહ્યું છે. યુપીના સીએમ તોફાની તત્ત્વોને બુલડોઝરનો ડોઝ આપવા માટે જાણીતા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના લાહોરના નિવાસસ્થાને ગઈ કાલે પોલીસ ત્રાટકી હતી અને ૬૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ઇમરાન ખાનના ઘરનો મેઇન ગેટ તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો.
સિનિયર પોલીસ ઑફિસર સુહેલ સુખેરાએ કહ્યું કે ‘ઇમરાનની તહેરીક-એ-ઇન્સાફ પાર્ટી અને તેમના સપોર્ટર્સ દ્વારા ઊભા કરવામાં આવેલા બ્લૉકેજને તોડીને પોલીસ આગળ વધી હતી. ઇમરાનના સપોર્ટર્સે પોલીસ પર પથ્થર અને પેટ્રોલબૉમ્બ ફેંકીને પોલીસને આગળ વધતી અટકાવવાની કોશિશ કરી હતી, પણ પોલીસ આગળ વધતી રહી હતી. એ દરમ્યાન ઇમરાનના ઘરની છત પરથી એક માણસે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
ADVERTISEMENT
સુખેરાએ કહ્યું કે પોલીસે ઇમરાનના ઘરનો મેઇન ડોર તોડીને જોયું તો ત્યાં માસ્ક, પેટ્રોલથી ભરેલી કાચની બૉટલો, લોખંડના સળિયા હતા. પોલીસ પર હુમલો કરનારાઓમાં સામેલ લોકોને આશરો આપવા માટે ઇમરાનના બંગલામાં ગેરકાયદે સ્ટ્રક્ચર્સ ઊભાં કરવામાં આવ્યાં હતાં.
એટલું જ નહીં, પોલીસને ઇમરાનના ઘરેથી એકે-૪૭ અસૉલ્ટ રાઇફલ અને મોટી સંખ્યામાં બુલેટ્સ પણ મળી હતી. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ રાઇફલ માટે લાઇસન્સ મેળવવામાં આવ્યું હતું કે નહીં.
સાક્ષીઓએ જણાવ્યું હતું કે પોલીસે ટિયર ગૅસ ફાયર કરીને ઇમરાનના સપોર્ટર્સને વિખેરવાની કોશિશ કરી હતી અને તેમનો પીછો કર્યો હતો.
નોંધપાત્ર છે કે ઇમરાન ખાન ગઈ કાલે તોશખાના કેસમાં ઇસ્લામાબાદની કોર્ટમાં હાજર થવા માટે ગયો હતો ત્યારે જ પોલીસ તેના ઘરે ત્રાટકી હતી. ઇમરાન ખાને કહ્યું કે મારી વાઇફ બુશરાબીબી ઘરે એકલી છે ત્યારે પોલીસ મારા ઘર પર ત્રાટકી છે. દરમ્યાન ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ ઝફર ઇકબાલે ગઈ કાલે આ કેસમાં ઇમરાનનું અરેસ્ટ વૉરન્ટ કૅન્સલ કર્યું હતું.