ડોભાલની અમેરિકા યાત્રા દરમ્યાન ચીનના ખતરાને લઈને બંને દેશોની મિલિટરી વચ્ચે સંકલન માટે વાતચીત થઈ
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
વૉશિંગ્ટન (પી.ટી.આઇ.) : અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને અમેરિકાની મુલાકાત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હોવાનો સૂત્રો દાવો કરી રહ્યાં છે. આ આમંત્રણને સૈદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવ્યું છે અને બન્ને દેશો હવે બન્ને નેતાઓને અનુકૂળ આવે એવી તારીખો નક્કી કરી રહ્યા છે. આ મુલાકાતના આયોજનનો આ ખૂબ જ શરૂઆતનો તબક્કો છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે બન્ને દેશોના અધિકારીઓ જૂન-જુલાઈમાં યોગ્ય તારીખો નક્કી કરી રહ્યા છે. એ સમયે અમેરિકન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બન્નેનું સેશન ચાલી રહ્યું હશે અને બીજી તરફ પીએમ મોદીની એ સમયગાળામાં કેટલાક દિવસ માટે અન્ય કોઈ વિદેશયાત્રા કે દેશમાં પહેલાંથી નક્કી કોઈ મોટો કાર્યક્રમ કે મીટિંગ નથી.
આ પણ વાંચો : આઇટી પ્રોફેશનલ માટે ગુડ ન્યુઝ, પહેલી માર્ચથી અમેરિકા સ્વીકારશે એચ૧બી વિઝાની અરજી
ADVERTISEMENT
અમેરિકાની વિઝિટ માટે મોદીએ થોડાક દિવસ ફાળવવા પડશે. તેઓ અમેરિકન કૉન્ગ્રેસનાં જૉઇન્ટ સેશનને સંબોધી શકે છે. દરમ્યાન, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અમેરિકાના ડેપ્યુટી ડિફેન્સ સેક્રેટરી કૅથલીન હિક્સે ચીન તરફથી ખતરાને ધ્યાનમાં રાખીને બન્ને દેશોની મિલિટરી વચ્ચે સંકલન વધારવા બાબતે ચર્ચા કરી હતી. અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા એરિક પૅહોને વૉશિંગ્ટનમાં મંગળવારે હિક્સ અને ડોભાલ વચ્ચેની મીટિંગ બાદ જણાવ્યું હતું કે આ પ્રદેશમાં સતત વધતા જતા પડકારોનો સામનો કરવા માટે અમેરિકા અને ભારતની મિલિટરીની વચ્ચે સંકલન વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી.
પૅહોને ચીનનું સીધું નામ નહોતું લીધું. જોકે ભારતનું ચીનની સાથે જ તાજેતરમાં સીમા પર ઘર્ષણ થયું છે અને બન્ને દેશો વચ્ચેની સીમા પર અત્યંત તનાવજનક સ્થિતિ છે તો બીજી બાજુ અમેરિકાના સાથી તાઇવાનને ચીન સતત ધમકી આપી રહ્યું છે. ૩૦ જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી સુધીની વિઝિટ દરમ્યાન ડોભાલે અમેરિકન સરકાર, કૉન્ગ્રેસ, બિઝનેસ, ઍકૅડેમિક અને રિસર્ચની દુનિયાના લીડર્સની સાથે વાતચીત કરી હતી.