બ્રિટનનાં રાણી બાદ નાઇજીરિયાનો આ અવૉર્ડ મેળવનારા તેઓ બીજા વિદેશી મહેમાન છેઃ મોટી સંખ્યામાં ભારતીય સમુદાયે કર્યું PMનું સ્વાગત
ગઈ કાલે નરેન્દ્ર મોદીને નાઇજીરિયાના પ્રેસિડન્ટ બોલા અહમદ ટીનુબૂએ ત્યાંના અબુજા શહેરની ચાવી ભેટ આપી હતી
ગઈ કાલે ત્રણ દેશના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નાઇજીરિયાનો બીજો સર્વોચ્ચ ખિતાબ ગ્રૅન્ડ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ નાઇજર એનાયત કરવામાં આવ્યો હતો. ભારતના વડા પ્રધાન આ અવૉર્ડ મેળવનારા બીજા વિદેશી મહેમાન છે. આ પહેલાં બ્રિટનનાં રાણી એલિઝાબેથને ૧૯૬૯માં અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ અવૉર્ડની સાથે વિદેશમાંથી મળનારો નરેન્દ્ર મોદીને આ ૧૭મો ઇન્ટરનૅશનલ અવૉર્ડ છે. નાઇજીરિયાના અબુજા ઍરપોર્ટ પર રાષ્ટ્રપતિ બોલા અહમદ ટીનુબૂએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. બન્ને દેશ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે આ મુલાકાતને બહુ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. ૧૭ વર્ષ બાદ ભારતના વડા પ્રધાન નાઇજીરિયાની મુલાકાતે ગયા છે. ઍરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકોએ પણ વડા પ્રધાનનું સ્વાગત કર્યું હતું. એક જણે તો PMને તેમનું ડ્રૉઇંગ ભેટ આપ્યું હતું.
ADVERTISEMENT
ઍરપોર્ટ પર એક ભારતીય મહિલાએ વડા પ્રધાનને તેમનું ડ્રૉઇંગ ભેટ આપ્યું હતું.
નાઇજીરિયાના પ્રેસિડન્ટે નરેન્દ્ર મોદીને ચાવી ભેટમાં આપી હતી. એવું કહેવાય છે કે આ ચાવી અબુજા શહેરની છે. ભારતના વિદેશ મંત્રાલયે આ બાબતે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે આ ચાવી વડા પ્રધાન પર નાઇજીરિયાના લોકોનો વિશ્વાસ અને તેમના પ્રતિ સમ્માન પ્રદર્શિત કરે છે.
અહીંથી તેઓ G20 સમિટ માટે બ્રાઝિલ માટે રવાના થશે અને ત્યાંથી ગુયાના થઈને તેઓ દિલ્હી પાછા ફરશે.