દેશભરમાં ૧૪૦૦થી વધારે રૅલી નીકળી: હૅન્ડ્સ ઑફ નામના આ વિરોધ પ્રદર્શનમાં લોકોએ બન્ને નેતાઓને તેમના અધિકારો પર તરાપ ન મારવા કહ્યું
ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયોની ખિલાફ પ્રદર્શન કરી રહેલા લોકો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને અરબપતિ ઈલૉન મસ્કની સામે શનિવારે તમામ પચાસ રાજ્યોમાં વિરોધ-પ્રદર્શન થયાં હતાં. આ પ્રદર્શનમાં લાખો લોકો સામેલ થયા હતા. દેશભરમાં ૧૪૦૦થી વધારે રૅલીઓ કરવામાં આવી હતી. પ્રદર્શનમાં સામેલ થવા માટે છ લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને સરકારી નોકરીમાં કાપ, અર્થવ્યવસ્થા અને માનવાધિકાર જેવા મુદ્દા પર સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધ-પ્રદર્શનને હૅન્ડ્સ ઑફ નામ આપવામાં આવ્યું છે. હૅન્ડ્સ ઑફનો અર્થ છે અમારા અધિકારોથી દૂર રહો. આ નારાનો હેતુ દર્શાવે છે કે પ્રદર્શનકારી નથી ઇચ્છતા કે તેમના અધિકારો પર કોઈ નિયંત્રણ હોય.
આ વિરોધ-પ્રદર્શનમાં ૧૫૦થી વધારે સંગઠનોએ ભાગ લીધો હતો. એમાં સિવિલ રાઇટ ઑર્ગેનાઇઝેશન, મજૂર સંઘ, LGBTQ+ વૉલન્ટિયર્સ, ભૂતપૂર્વ સૈનિક અને ચૂંટણી-કાર્યકર્તાઓ સામેલ હતા.
ઈલૉન મસ્ક અને ડોનલ્ડ ટ્રમ્પની નીતિ સામે અમેરિકામાં વિરોધ થઈ રહ્યો છે. ટ્રમ્પની ટૅરિફ-નીતિ અને મસ્ક દ્વારા સરકારી નોકરીમાં કરવામાં આવી રહેલી છટણીને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે. ઈલૉન મસ્ક અમેરિકાની ટ્રમ્પ સરકારમાં ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના પ્રમુખ છે. મસ્કનો દાવો છે કે સરકારી તંત્રને નાનું કરવાથી કરદાતાઓના અબજો ડૉલર બચશે. વળી વાઇટ હાઉસે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સોશ્યલ સિક્યૉરિટી, મેડિકૅર યોજનાઓ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે, પરંતુ ડેમોક્રેટ્સ આ યોજનાઓનો લાભ ગેરકાયદે અપ્રવાસીઓને આપવા ઇચ્છે છે.
ADVERTISEMENT
વિરોધ-પ્રદર્શન વિશે વાઇટ હાઉસે નિવેદન બહાર પાડ્યું
વિરોધ-પ્રદર્શનોના જવાબમાં વાઇટ હાઉસે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામાજિક સુરક્ષા, મેડિકૅર અને મેડિકેડના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. સરકારે ડેમોક્રેટ્સ પર નાણાકીય કટોકટી ઊભી કરવાનો આરોપ મૂક્યો. ટ્રમ્પ વાઇટ હાઉસ પાછા ફર્યા પછી વારંવાર વિરોધ-પ્રદર્શનો થયાં છે, પરંતુ હૅન્ડ્સ ઑફ નામના આ વિરોધ-પ્રદર્શનને ૨૦૧૭ના મહિલા માર્ચ અને ૨૦૨૦ના બ્લૅક લાઇવ્સ મેટર આંદોલન પછીનું સૌથી મોટું જન આંદોલન માનવામાં આવે છે.

