ત્યાંની સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે જૂન ૨૦૨૪માં પૂરા થતા વર્ષમાં ૧,૩૧,૨૦૦ લોકો ન્યુ ઝીલૅન્ડ છોડી ગયા છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડજર્ની)
૭૦૦થી વધુ નાના-નાના ટાપુ ધરાવતો રમણીય દેશ ન્યુ ઝીલૅન્ડ થોડાં વર્ષોથી બેરોજગારી, ઊંચા વ્યાજદર અને મંદ આર્થિક વિકાસની કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આવા પડકારો સાથે રહેવું અશક્ય હોવાથી નોંધપાત્ર સંખ્યામાં લોકો દેશ છોડીને બીજે જઈ રહ્યા છે. ત્યાંની સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે જૂન ૨૦૨૪માં પૂરા થતા વર્ષમાં ૧,૩૧,૨૦૦ લોકો ન્યુ ઝીલૅન્ડ છોડી ગયા છે. આમાંથી ત્રીજા ભાગના લોકો ઑસ્ટ્રેલિયા જતા રહ્યા છે. પહેલી વાર એક વર્ષમાં આટલા બધા લોકોએ દેશ છોડ્યો છે. જોકે દેશ છોડીને જનારા લોકોની સંખ્યા કરતાં અહીં આવનારા લોકોની સંખ્યા વધુ હોવાથી અર્થશાસ્ત્રીઓએ આશા બંધાવી છે કે આ સ્થિતિ ફરીથી પહેલાં જેવી થઈ જશે, કારણ કે નબળી અર્થવ્યવસ્થાને કારણે ન્યુ ઝીલૅન્ડ જવા ઇચ્છતા વિદેશી નાગરિકોની સંખ્યામાં ઘટાડો થયો છે.
ન્યુ ઝીલૅન્ડ છોડી જનારા લોકોમાંથી ૮૦,૧૭૪ ત્યાંના લોકો હતા અને આ સંખ્યા કોવિડ-19ની મહામારી પહેલાં દેશ છોડનારા લોકોની સંખ્યા કરતાં લગભગ બે ગણી વધુ છે. કેટલાક નાગરિકોએ દેશ છોડવાનાં ભાવિ આયોજનો પણ કરી રાખ્યાં છે.
કોરોનાથી સર્જાયેલી સમસ્યાનો સામનો કરવા માટે એ વખતે સરકારે અપીલ કરી હતી એટલે બીજા દેશોમાં રહેતા લોકો મોટી સંખ્યામાં સ્વદેશ ન્યુ ઝીલૅન્ડ પાછા ફર્યા હતા, પરંતુ આ નવી સમસ્યાને કારણે ૫૩ લાખની વસ્તી ધરાવતા દેશ પ્રત્યે નાગરિકોનો પ્રેમ ઓછો થઈ ગયો છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે અહીં મોંઘો નિર્વાહખર્ચ, ઊંચો વ્યાજદર અને નોકરીની નહીંવત્ તકોને કારણે નિરાશ થયેલા લોકો ઑસ્ટ્રેલિયા, યુકે કે પછી બીજા કોઈ દેશ તરફ જઈ રહ્યા છે.

